પીએમ મોદીએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પહેલાં પરેડ માટે પહોંચેલા પીએમ મોદીનું વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોને સ્વાગત કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ મેક્રોને મોદીને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
પરેડમાં ઈન્ડિયન એરફોર્સના રાફેલે ઉડાન ભરી હતી. ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સનાં 3 રાફેલ ફાઇટર જેટ ચેમ્પ્સ એલ્સીસ પર ફ્રેન્ચ ફાઇટર જેટ સાથે ફ્લાયપાસ્ટ કર્યું હતું. ત્રણેય સેનાની ટુકડીના 269 જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો. તેમની એન્ટ્રી સારે જહાં સે અચ્છાની ધૂન સાથે થઈ હતી.
બેસ્ટિલ ડે પરેડમાં ઈન્ડિયન રંગ.
- પીએમ મોદીએ ઊભા થઈને ભારતીય સેનાની ટુકડીને સલામી આપી હતી. ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 77 માર્ચિંગ ટુકડી અને બેન્ડના 38 જવાનોએ પણ એમાં ભાગ લીધો હતો.
- ઈન્ડિયન એરફોર્સનાં 3 રાફેલ ફાઇટર જેટ્સે ચેમ્પ્સ એલ્સીસ એટલે કે ફ્રેન્ચ રાજપથ પર ફ્રાન્સનાં ફાઇટર જેટ સાથે ફ્લાયપાસ્ટ કર્યું હતું.
- આર્મી ટુકડીનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ દ્વારા કરવામાં આવ્યું હતું, નેવલ ટુકડીનું નેતૃત્વ કમાન્ડર વ્રત બઘેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું.
આ સાથે 14 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન આ પરેડના મુખ્ય અતિથિ બન્યા છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે ફ્રાન્સ આ સમારોહ માટે એકથી વધુ વિદેશી મહેમાનોને આમંત્રિત કરે છે, પરંતુ આ વખતે પીએમ મોદી આ કાર્યક્રમમાં એકમાત્ર વિદેશી મહેમાન બન્યા છે.
મોદી પહેલાં 2009માં પ્રથમ વખત તત્કાલીન પીએમ મનમોહન સિંહને ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોના 269 જવાનની ટુકડીએ પણ ભાગ લીધો છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાનાં 3 રાફેલ ફાઈટર જેટ પણ ફ્રેન્ચ ફાઈટર જેટ્સ સાથે ચેમ્પ્સ એલ્સીસ ઉપરના ફ્લાયપાસ્ટમાં સામેલ થયાં છે.
આ પરેડમાં ભારતીય સેનાની 77 માર્ચિંગ ટુકડી અને બેન્ડ પણ જોવા મળ્યાં. આ દરમિયાન ભારતીય ટુકડીમાં હાજર રાજપૂતાના રાઈફલ્સ ‘સારે જહાં સે અચ્છા’ની ધૂન પણ વગાડી હતી.
ડિનર માટે શાકાહારી મેનુ, PM મોનાલિસાનું પેઇન્ટિંગ પણ જોશે
બેસ્ટિલ ડે પરેડ બાદ ભારત અને ફ્રાન્સ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત થશે. પીએમ મોદી ફ્રાન્સની નેશનલ એસેમ્બ્લીના સ્પીકર યેલ બ્રૌન પિવેટને મળશે. આ પછી તેઓ ભારત અને ફ્રાન્સના ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન પણ તેમની સાથે હાજર રહી શકે છે. પીએમ મોદીના સન્માનમાં મેક્રોન વિશ્વ પ્રસિદ્ધ લુવ્ર મ્યુઝિયમના કોર માર્લી કોર્ટયાર્ડમાં સ્ટેટ ડિનર સમારંભનું પણ આયોજન કરશે. એમાં 250 મહાનુભાવોનો સમાવેશ થશે.
ડિનરમાં પીએમ મોદી માટે ખાસ શાકાહારી મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. મેક્રોન મોદીને આ મ્યુઝિયમની મુલાકાત પણ કરાવશે. અહીં જ વિશ્વનું સૌથી પ્રખ્યાત અને મોંઘું મોનાલિસા પેઇન્ટિંગ પણ છે. મ્યુઝિયમના પ્રવાસ પછી મોદી અને મેક્રોન તેમના ટેરેસ પરથી એફિલ ટાવર પર આતશબાજીનો આનંદ માણશે.
પહેલા કિલ્લો, પછી જેલ માટે પ્રખ્યાત બેસ્ટિલ ક્રાંતિનું પ્રતીક બન્યું
બેસ્ટિલ ડેને ફ્રેન્ચ ક્રાંતિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ખરેખર 18મી સદીના અંતમાં ફ્રાન્સના છેલ્લા રાજા લુઇસ સોળમાના શાસનમાં એક મોટી આર્થિક કટોકટી આવી પડી હતી. 5 મે, 1789ના રોજ દેશના સ્ટેટ જનરલે એક બેઠક બોલાવી, પરંતુ ત્રીજા રાજ્યના લોકો એટલે કે સામાન્ય જનતાને એમાં સામેલ કરવામાં આવી ન હતી. સરકારના આ નિર્ણયથી દેશના નાગરિકો નારાજ થયા છે. ફ્રાન્સની પ્રજાએ રાજા સામે બળવો કર્યો હતો.
બેસ્ટિલનો ઉપયોગ પહેલા કિલ્લા તરીકે અને પછી જેલ તરીકે થતો હતો. આમાં એવા કેદીઓને રાખવામાં આવ્યા હતા જેમણે રાજદ્રોહ કર્યો હતો અથવા દેશના શાસક સામે અવાજ ઉઠાવ્યો હતો. આ કેદીઓને તેમની સજા સામે ક્યાંય અપીલ કરવાનો અધિકાર નહોતો. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન આ જેલ કઠોર શાસનનું પ્રતીક બની ગઈ હતી.
14 જુલાઈ, 1789ના રોજ ક્રાંતિ દરમિયાન મોટી સંખ્યામાં ફ્રાન્સના લોકો બેસ્ટિલ જેલની બહાર એકઠા થયા હતા. લોકોએ જેલ પર હુમલો કર્યો અને અહીં હાજર સાત કેદીને બચાવ્યા. આ ફ્રેન્ચ ક્રાંતિની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના કહેવાય છે. આને રાજાશાહી શાસનના અંત તરીકે જોવામાં આવે છે.
બેસ્ટિલ ડે પરેડ અત્યારસુધીમાં માત્ર 2 વખત રદ કરવામાં આવી છે
14 જુલાઈ 1880ના રોજ પેરિસમાં પ્રથમ બેસ્ટિલ ડે પરેડ યોજાઈ હતી. ત્યારથી ફ્રાન્સમાં દર વર્ષે બેસ્ટિલ ડે પરેડ થઈ રહી છે, જેમાં રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવો હાજર રહે છે. 1880થી બેસ્ટિલ ડે પરેડનું આયોજન ન થયું હોય, એ આજ સુધીમાં માત્ર 2 વખત બન્યું છે. 1940-1944 દરમિયાન બીજા વિશ્વયુદ્ધને કારણે આ પરેડ પહેલીવાર યોજાઈ ન હતી.
આ પછી, કોરોનાને કારણે 2020માં પરેડ રદ કરવામાં આવી હતી. જોકે 14 જુલાઈના રોજ આતશબાજી કરવામાં આવી હતી અને આરોગ્યના કાર્યકરો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પરેડમાં ફ્રાન્સના માર્ચિંગ કન્ટિજેન્ટના 6300 સૈનિક સામેલ થશે.
લૂવ્ર મ્યુઝિયમમાં મોનાલિસા સહિત 5500 પેઇન્ટિંગ્સ રાખવામાં આવ્યાં છે
લૂવ્ર મ્યુઝિયમની શરૂઆત ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ- I દ્વારા 1546માં કરવામાં આવી હતી. આ પછી લુઇસ-VIII અને લુઇસ-XIVએ એને 17મી સદીમાં પૂર્ણ કરાવ્યું. એ પછી એનો ઉપયોગ શાહી નિવાસ તરીકે થતો હતો. 18મી સદીમાં એનો ઉપયોગ મ્યુઝિયમ તરીકે કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બ્રિટેનિકા અનુસાર, 1793માં ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ફ્રેન્ચ ક્રાંતિકારી સરકારે ગ્રાન્ડ ગેલરીમાં મ્યુઝિમ સેન્ટ્રલ ડેસ આર્ટ્સને જાહેર જનતા માટે ખોલ્યું. આ મ્યુઝિયમમાં લગભગ 5,500 પેઇન્ટિંગ્સ છે, જેમાં લિયોનાર્ડો ધ વિન્ચીનાં પ્રખ્યાત મોનાલિસા પેઇન્ટિંગનો સમાવેશ થાય છે.
પાબ્લો પિકાસો પર મોનાલિસાનાં પેઇન્ટિંગની ચોરી કરવાનો આરોપ હતો
પેરિસના લૂવ્ર મ્યુઝિયમમાં મોનાલિસાનું પેઈન્ટિંગ દુનિયાના સૌથી લોકપ્રિય પેઈન્ટિંગ્સમાંનું એક માનવામાં આવે છે. એની સ્મિત, રંગ અને સુંદરતા ઉપરાંત, આ પેઇન્ટિંગ ચોરી થવા માટે પણ પ્રખ્યાત છે. 21 ઓગસ્ટ, 1911ના રોજ મોનાલિસાનું આ પેઇન્ટિંગ ચોરાઈ ગયું હતીું. ખરેખર ત્યારે મ્યુઝિયમમાં ચિત્રો પર કાચની ફ્રેમ અને અન્ય આર્ટવર્ક કરવામાં આવી રહ્યું હતું.
ઘણા કારીગરો આ કામમાં રોકાયેલા હતા અને પેઇન્ટિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોનાલિસાનું પેઈન્ટિંગ ગુમ થઈ ગયું હતું. પોલીસને આશા હતી કે ચોર 48 કલાકમાં ખંડણી માટે ફોન કરશે, પરંતુ 2 દિવસ બાદ પણ પોલીસને આવો કોઈ કોલ આવ્યો નથી. ત્યાર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે મોનાલિસાના પેઇન્ટિંગનાં 6 હજાર પોસ્ટર્સનું વિતરણ કર્યું હતું. આખા મ્યુઝિયમમાં તપાસ કરવામાં આવી. 7 સપ્ટેમ્બરે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે આ ચોરી પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ વાત ખોટી હોવાનું બહાર આવ્યું હતું.
આ દરમિયાન ફ્લોરેન્સના એક આર્ટ ડીલરને એક પત્ર આવ્યો. આ પત્ર વિન્સેન્ઝો નામની વ્યક્તિએ મોકલ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે તેની પાસે મોનાલિસાનું પેઈન્ટિંગ હતું. ડીલર પેઇન્ટિંગ ખરીદવા માટે ફ્લોરેન્સની એક હોટલમાં વિન્સેન્ઝો સાથે મિટિંગ નક્કી કરે છે. આ બેઠકમાં વિન્સેન્જોની ધરપકડ કરવામાં આવી હતી.
વિન્સેન્ઝો મ્યુઝિયમમાં પેઇન્ટિંગ માટે કાચની ફ્રેમ બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેણે પેઈન્ટિંગ ચોરી લીધું. વિન્સેન્ઝોને એક વર્ષ અને 15 દિવસની સજા કરવામાં આવી હતી, પરંતુ માત્ર 7 મહિના પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે પેઇન્ટિંગ ચોરી થયાનાં બે વર્ષ પછી 12 ડિસેમ્બર 1913ના રોજ હતું.