News Updates
GUJARAT

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો, અનેક નદીઓ બે કાંઠે, બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું

Spread the love

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 8 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા છ ઇંચ ખાબક્યો છે. તો રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઇ ગયું છે.

સવારે 6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમીમાં)
છોટા ઉદેપુરપાવી જેતપુર165
છોટા ઉદેપુરબોડેલી144
પંચમહાલજાંબુઘોડા103
વડોદરાસિહોર50
છોટા ઉદેપુરસંખેડા41
વડોદરાડભોઇ35

વડોદરામાં રેલવે ગરનાળામાં બસ ફસાઇ
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા રોજ અલગ-અલગ ગામોમાંથી વડતાલ મંદિરમાં સંત્સગમાં આવતા હરિભક્તોને મૂકવા જાય છે. આજે વહેલી સવારે વડતાલ સંત્સગની બસ 20 જેટલા હરિભક્તોને લઇને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ખાતે જઇ રહી હતી. દરમિયાન માંગલેજ-નારેશ્વર રોડ ઉપર ગણપતપુરા રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયેલા વરસાદી પાણીમાં વડતાલ સંત્સગીઓની બસ ફસાઇ ગઇ હતી. અડધી બસ પાણીમાં ઘરક થઇ જતા બસમાં પણ પાણી ઘૂસી ગયા હતા. એક કલાક સુધી ગરનાળામાં ફસાઇ રહેલી વડતાલ સંત્સગની બસને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓએ હાશકારો અનુભવ્યો હતો.

બારડોલીના 17 રસ્તા બંધ
સુરત જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જિલ્લામાં ભારે વરસાદના પગલે 32 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના 4 અને માંડવીનો એક રસ્તો બંધ થઈ ગયો છે.

નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો
નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કીમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે.

જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે
જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. તો પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહેતી થતા મોટું સંકટ વર્તાઇ રહ્યું છે. જ્યારે કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ 13 ફૂટ ઉપર પહોંચી છે. કાવેરી નદીના જળસ્થર વધતા તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તો ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેને બંધ કરવામાં આવ્યો છે.

બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું
બે દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મોડી રાત્રે 12થી બે વાગ્યા વચ્ચે સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર રાત્રે જ દોડતું થઈ ગયું હતું. ભારે વરસાદને પગલે બારડોલી નગરના જલારામ મંદિરની પાછળથી 13 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યા હતા. તેમજ ડી.એમ નગર અને એમ. એન પાર્ક નગરમાંથી પણ 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું અને તેઓને સહી સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા.

દાદરા નગર હવેલીમાં 21 લોકોનું રેસ્ક્યૂ કરાયું
વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને મધુબન ડેમનું લેવલ જાળવવા માટે મધુબન ડેમમાંથી દર કલાકે 1 લાખ ક્યુસેટથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દાદરા નગર હવેલીના ખાનવેલના વિલ તલાવલી ખાતે ખાડીના તટ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતા. જેમાં 21 લોકો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ ડિઝાસ્ટરની ટીમને થતા સ્થાનિક ફાયર અને અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેસ્ક્યૂ કરવામાં ભારે તકલીફો ઉભી થઇ
​​​​​​​પાણીનો કરંટ વધારે હોવાને કારણે રેક્સ્યુ કરવામાં ભારે તકલીફો ઉભી થઇ રહી હતી. જેને લઈને દાદરા નગર હવેલીના ડિઝાસ્ટર વિભાગે વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી ગુજરાતની વડોદરા NDRFની ટીમની મદદ લઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક લેવલે રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા ન મળતા વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાઈય રહેલી વડોદરા NDRFની 6 ટીમની મદદ લઈને ખાડીના તટ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

21 લોકોને સેલટર હોમ ખાતે ખસેડાયા
મધ્ય રાત્રીએ ખાડીના તટ વિસ્તારમાં NDRFની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 6 પુરુષ, 12 મહિલાઓ અને 3 બાળકોનું NDRFની બોટ વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. NDRFની ટીમે 2.30 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ 21 લોકોનું રેસ્ક્યૂં કરીને નજીકના સેલટર હોમ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

શું કહે છે NDRF ટીમના જવાન
સમગ્ર ઘટના અંગે NDRF 6Gના દિપક માથુરે વિગત આપતા જણાવ્યું હતું કે, અંધારું થયું હોવાથી તેમજ મધુબન ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. રેલના પાણીમાં અંદાજે 8 કલાકથી વધુ સમયથી ફસાયેલા સ્થાનિક લોકોને રેલના પાણીમાંથી બહાર કંઠવામાં સફળતા મેળવી હતી. તમામ લોકોને નજીકના સેલટર હોમ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

​​​​​​​છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે. ક્યાંક મુશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી બોડેલી તેમજ પાવી જેતપુરમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે જન જીવન ખોરવાઈ ગયું છે. મુશળધાર વરસાદને પગલે પાવી જેતપુરના રસ્તા જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેમ પાણી પાણી થઇ ગયા છે. આજરોજ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.


Spread the love

Related posts

માન્યતા તો એવી છે બ્રહ્માજીને શિક્ષા આપવા પ્રગટ થયા:શિવજીનો જ અવતાર છે કાલભૈરવ, તેમની પુજા-અર્ચના કરીને ભક્તોએ ખરાબ આદત છોડવાનો સંકલ્પ લેવો જોઇએ

Team News Updates

તમે GIFT CITY ખાતે દારૂનું સેવન કરી શકશો કે નહિ? કરો ચેક…

Team News Updates

746 લોકોના થયા હતા મોત,ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત

Team News Updates