ભારતમાં ચોમાસુ આવે ત્યારે રસ્તાઓની ચર્ચા વધારે થાય છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે કાર કે બાઈક પર સવાર લોકોના મગજના તાર ખેંચાઈ જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર મ્યુઝિકલ રોડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રસ્તા પર ખાડા નહીં પણ મ્યુઝિકલ સાઈન જોવા મળશે.
દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ છે. કેટલાક લોકો આ સંઘર્ષને કારણે માનસિક તાણ અનુભવતા હોય છે. આ માનસિક તાણને સંગીત દ્વારા દૂર કરી શકાય છે. સંગીતએ જીવનને વધારે સરળ બનાવે છે. કેટલાક રોગો મ્યુઝિક થેરાપી દ્વારા પણ દૂર થઈ શકે છે. દુનિયામાં ઘણા એવા રસ્તાઓ પણ છે જેને મ્યુઝિકલ રોડ કહેવામાં આવે છે. હાલમાં આવા જ Musical roadનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો હંગરી દેશનો છે. હંગરીના આ મ્યુઝિકલ રોડને બનાવવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, હંગરીમાં આવા 37 મ્યુઝિકલ રોડ છે. તે દેશના ઉત્તરપૂર્વીય ભાગમાં સ્થિત છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં રસ્તાના કિનારે ઉપસી આવેલા બટન જોવા મળી રહ્યા છે. આ બટન પિયાનો જેવા લાગી રહ્યા છે. જ્યારે કોઈ ગાડી 80 કિમી પ્રતિ કલાકની સ્પીડથી રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ થાય છે અને સંગીતની ધૂન વાગે છે. સંગીતની ધૂન સંભળાય તે માટે સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ.
હંગેરી સહિત જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, ચીન, ઈરાન, તાઈવાન, ઈન્ડોનેશિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને આર્જેન્ટિનામાં હાલમાં મ્યુઝિકલ રોડ અસ્તિત્વમાં છે. ભૂતકાળમાં ફ્રાન્સ, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં મ્યુઝિકલ રોડ હતા.