રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે દેશની નેવી ડે પરેડમાં હાજરી આપી હતી. આ અવસર પર પુતિને પરમાણુ સબમરીન અને યુદ્ધ જહાજોની સમીક્ષા કરી હતી. પુતિનના હોમ ટાઉન સેન્ટ પીટર્સબર્ગમાં નેવી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નેવા નદીમાં 45 યુદ્ધ જહાજો અને સબમરીને પ્રદર્શન કર્યું હતું.
રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર નેવી ડે પર નેવીના 3000 જવાનોએ રેલી પણ યોજી હતી. જ્યારે, આ અવસર પર પુતિને રશિયન નેવી માટે 30 યુદ્ધ જહાજોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આનાથી નેવીની તાકાત વધશે અને દેશની સુરક્ષા મજબૂત થશે. આ દરમિયાન રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ, નેવી કમાન્ડર એડમિરલ નિકોલાઈ યેવમેનોવ પણ હાજર રહ્યા હતા.
પુતિને યુદ્ધ વિશે કશું કહ્યું ન હતું
રોઈટર્સના અહેવાલ મુજબ, પુતિન સામાન્ય રીતે રશિયામાં કોઈ પણ મોટી ઘટના વખતે યુક્રેન યુદ્ધ વિશે કંઈક કહે છે. જોકે, તેમણે રવિવારે નેવી ડે પરેડમાં યુદ્ધ વિશે એક શબ્દ પણ બોલ્યો ન હતો.
પુતિને માત્ર એટલું જ કહ્યું હતું કે આજે રશિયા આત્મવિશ્વાસપૂર્વક તેની નૌસેના પોલિસીને મોટા પાયા પર લાગુ કરી રહ્યું છે. સાથે જ તે તેની શક્તિને વધુ વધારી રહ્યા છે. રશિયાની નેવી ડે પરેડમાં 4 આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
બ્લેક સી ફ્લીટે પણ પરેડમાં ભાગ લીધો હતો
રશિયન સમાચાર એજન્સી તાસના રિપોર્ટ અનુસાર નેવી ડે પરેડમાં નેવીનો બ્લેક સી ફ્લીટ ખાસ સામેલ થયુ હતું. ખરેખરમાં 23 જુલાઈના રોજ, રશિયાએ બ્લેક સી ગ્રેન ડીલમાંથી બહાર નીકળી ગયું છે. આ સાથે, બ્લેક સી ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષનો મુદ્દો બની ગયો છે. પુતિને આફ્રિકન દેશોના નેતાઓ સાથેની બેઠક દરમિયાન કહ્યું છે કે તેઓ ફરીથી આ ડીલને લાગુ નહીં કરે.
ગયા વર્ષે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અનાજની ડીલ કરી હતી. આ અંતર્ગત બંને દેશોએ નક્કી કર્યું હતું કે તેઓ કાળા સમુદ્રમાંથી પસાર થતા એકબીજાના જહાજો પર હુમલો નહીં કરે, જેમાં ખાદ્ય પદાર્થો ખાસ કરીને અનાજ હશે.
આ ડીલમાંથી રશિયાના બહાર નીકળવાના કારણે આફ્રિકન દેશોમાં ખાદ્ય સંકટ તોળાઈ રહ્યું છે. આ અંતર્ગત પુતિન આફ્રિકન દેશોના નેતાઓને મળ્યા છે. પુતિને આફ્રિકન દેશોના નેતાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ ત્રણથી ચાર મહિનામાં 6 આફ્રિકન દેશોને લગભગ 50 હજાર ટન ઘઉં આપશે. રશિયા આ માટે પેમેન્ટ લેશે નહીં. આ પહેલા યુએનએ 2 લાખ 75 હજાર ટન ઘઉંના સપ્લાય અંગે સમજૂતી કરી છે. તે વિશ્વ ખાદ્ય કાર્યક્રમનો એક ભાગ છે.
યુદ્ધ રોકવા પર પુતિને શું કહ્યું…
પુતિને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી યુક્રેનની સૈન્ય તેમના પર હુમલો કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં. આફ્રિકન નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું- જો યુક્રેન અમારા પર હુમલો કરશે તો અમારે જવાબી કાર્યવાહી કરવી પડશે. કેટલાક લોકો ઈચ્છે છે કે શાંતિ મંત્રણાની વાત થવી જોઈએ. અમે તેનો ઇનકાર કર્યો નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે અમે શાંતિ વાટાઘાટોને નકારીશું નહીં. પુતિને કહ્યું- યુક્રેનની સેના આક્રમક છે, તે અમારા પર હુમલો કરી રહી છે. તેઓ મોટા પાયે આક્રમક વ્યૂહાત્મક અભિયાન ચલાવી રહ્યા છે. અમે શાંતિ મંત્રણાના પ્રસ્તાવને બિલકુલ નકારી રહ્યા નથી, પરંતુ કોઈપણ પ્રક્રિયા શરૂ કરવા માટે બંને પક્ષો વચ્ચે સર્વસંમતિ હોવી સૌથી મહત્વપૂર્ણ છે.