ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
હાલમાં ખરીફ સિઝન (Kharif Season) ચાલી રહી છે. ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
હાલમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. તો ચાલો જાણીએ કે મગફળી અને તુવેરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
મગફળીના પાકમાં ખેતી કાર્યો
1. સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું.
2. પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦લી. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.
3. થ્રીપ્સ, સફેદ માખી અને તડતડીયા જીવાતોના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ, ફ્રીપ્રોનીલનો છંટકાવ ઉપદ્રવ જણાયતો લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમલેકાની નામની ફૂગના પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
4. મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઇ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં ૨૫મિલી) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું. અથવા ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.
5. સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે, જેના નિરાકરણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને ૧૦ ગ્રામ સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ૧૦ લીટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.
તુવેરના પાકમાં ખેતી કાર્યો
1. તુવેરનાં બિયારણનો દર ૧૫ થી ૨૦ કિલો હેક્ટર રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનની ૩૦ ટકા માવજત આપવી.
2. વાવેતર ૧૦ ઓગષ્ટ સુધીમાં કરી દેવું અને ખાતર ૧૧૦ કિલો ડીએપી આપવું.
3. મગફળી-તુવેર રીલે પાક પધ્ધતિ અપનાવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી