રાજકોટના રાજવી પરિવારનો પરંપરાગત રીતે દુર્ગાષ્ટમી નિમિત્તે મા આશાપુરાના મંદિરે હવન, રાજવી માંધાતાસિંહે પુત્ર સાથે આહુતિ આપી

0
89

રાજકોટના રાજવી માંધાતાસિંહે પુત્ર સાથે અગ્નિકુંડમાં આહુતિ આપી

  • રજવાડા સમયથી રાજકોટમાં મા આશાપુરાનું મંદિર આવેલું છે

રાજકોટના પેલેસ રોડ પર આવેલા રજવાડા સમયના માતા આશાપુરા માતાજીના મંદિરે આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે પરંપરાગત રીતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ અને યુવરાજ જયદિપસિંહે હવનમાં આહુતિ આપી હતી. દર વર્ષે રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે હવનનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં જ હવન યોજાયો હતો.

ત્રણથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું
આજે દુર્ગાષ્ટમી હોવાથી રાજવી પરિવારે પોતાની પરંપરા જાળવી રાખી હતી. રકોરોના મહામારી હોવાથી રાજવી પરિવાર દ્વારા મર્યાદિત સંખ્યામાં જ લોકોની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે હવન યોજાયો હતો. તેમજ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કર્યો હતો. હવનના સમય દરમિયાન લોકોની ભીડ ન થાય તે માટે વ્યવસ્થા જાળવવાના હેતુસર મંદિર પટાંગણમાં બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં પાંચ વાગ્યે બીડુ હોમાયા બાદ દર્શનાર્થીઓ માટે ફરી મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આશાપુરા માતાજીના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું
હાલ નવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મા આશાપુરાના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે દુર્ગાષ્ટમી હોવાથી માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દુર્ગાષ્ટમી હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આશાપુરાનું મંદિર અમારા વડવાઓએ બનાવડાવ્યું હતું. કારણ કે આશાપુરા જાડેજા વંશના કુળદેવી છે. ત્યારે દર વર્ષે કુળદેવીના મંદિરના પટાંગણમાં સેંકડોની સંખ્યામાં બાળાઓ રાસ લેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રાચીન ગરબીઓ પણ બંધ રાખવાનો વારો આવ્યો છે. જેના કારણે ચાલુ વર્ષે આશાપુરાના મંદિરના પટાંગણમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા રોકવાની ફરજ પડી છે. પરંતુ વર્ષોથી જે આસો સુદ અષ્ટમીનો વાર્ષિક યજ્ઞમાં આશાપુરાનું પૂજન કરવામાં આવે છે તે પરંપરા કોરોનાકાળની અંદર પણ રાજવી પરિવાર દ્વારા યથાવત રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here