- માતા-પિતા તેમના સગીર બાળકના નામે પણ PPF અકાઉન્ટ ખોલાવી શકે છે
- PPF ખાતાંમાં અત્યારે વાર્ષિક 7.1% લેખે વ્યાજ મળી રહ્યું છે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)એ રોકાણ માટે યોગ્ય પસંદગી માનવામાં આવે છે. આ સ્કીમ હેઠળ અત્યારે વાર્ષિક 7.1% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે, જે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં ઘણું વધારે છે. તમે તમારા બાળક માટે એક PPF અકાઉન્ટ ખોલાવીને તમારા ભવિષ્યને આર્થિક રીતે મજબૂત કરી શકો છો. તમે તમારા બાળકના નામે આ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરીને મોટું ફંડ ભેગું શકો છો.
બાળક મોટું થાય તો પણ તેમાં રોકાણ ચાલુ રાખી શકાય
જો તમે 10 વર્ષની ઉંમરેથી તમારા બાળકના નામે PPFમાં રોકાણ કરવાનું શરૂ કરો તો તે 25 વર્ષનું થાય ત્યાં સુધી PPF મેચ્યોર થઈ જશે. ત્યારબાદ જો તે ઇચ્છે તો તે તે પૈસા ઉપાડી શકે છે અને જો તેને પૈસા ઉપાડવાની ઉતાવળ ન હોય તો તેમાં રોકાણ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
આગળ વધારો તો રોકાણ કરવું જરૂરી નહીં
આમાં એવું જરૂરી નથી કે 5 વર્ષ આગળ વધારો તો તેમાં રોકાણ કરવું જરૂરી છે. તમારી ઇચ્છા ન હોય તો તેમાં કોઈપણ રકમ જમા કરાવવાની જરૂર નથી. તમે રોકાણ કરો કે ના કરો ડિપોઝિટની રકમ પર તમને 7.1% લેખે વ્યાજ મળતું રહેશે. જ્યારે બાળક 30 વર્ષનું થાય ત્યારે તે પૈસા ઉપાડી શકે છે અને જો તેને હજી પણ પૈસાની જરૂર ન હોય તો તે આગામી 5 વર્ષ સુધી ફરીથી તેને વધારી શકે છે.
500 રૂપિયામાં ખાતું ખોલી શકે છે
PPF ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 500 રૂપિયા છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવાના રહેશે, જ્યારે મહત્તમ રોકાણની મર્યાદા દર વર્ષે 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
PPF પર સસ્તી લોન મળે છે
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.
ટેક્સ છૂટનો લાભ મળશે
PPF EEE ની કેટેગરીમાં આવે છે. એટલે કે, તમને સ્કીમમાં કરવામાં આવેલા સંપૂર્ણ રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મળે છે. આ સાથે આ સ્કીમમાં રોકાણથી મળતા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. PPF રોકાણ પરના વ્યાજ દર ત્રણ મહિને બદલાતા રહે છે.
PPF અકાઉન્ટ જપ્ત નથી કરી શકાતું
કોઈ કોર્ટ અથવા આદેશ દ્વારા લોન અથવા અન્ય જવાબદારી સમયે PPF ખાતું જપ્ત કરી શકાતું નથી.
મોટું ફંડ સરળતાથી તૈયાર થઈ જશે
આ સ્કીમ હેઠળ મહિનામાં માત્ર 1 હજાર રૂપિયાના રોકાણ દ્વારા તમે 15 વર્ષમાં લગભગ 3.20 લાખ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. તેમજ જો તમે એક મહિનામાં 2 હજાર રૂપિયાનું રોકાણ કરો તો 15 વર્ષમાં તમે લગભગ 6.40 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.
પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવી શકાશે
એક PPF અકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પોતાના નામે અથવા સગીર તરફથી કોઈ અન્ય વ્યક્તિ ખોલાવી શકે છે. જો કે, નિયમો મુજબ, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)ના નામે PPF ખાતું ખોલાવી શકાતું નથી. આ સ્કીમ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.