ખોડલધામ દ્વારા અમરેલી ગામ ખાતે બનાવવામાં આવશે કેન્સર હોસ્પિટલ, દીકરીઓ કરશે ભૂમિપૂજન
ખોડલધામ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
રાજકોટ: આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ કાગવડ સ્થિત ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ખોડલધામ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. જ્યારે કે આ પ્રસંગના સાક્ષી લાખો લોકો ખોડલધામના પટાંગણ ખાતે બનશે.

કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે નરેશ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યના પ્રવાસનો શુભારંભ શરૂ કરવામાં આવશે. 17 ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને નરેશ પટેલ પ્રવાસની શરૂઆત કરશે. જે પ્રવાસ છ જાન્યુઆરી સુધી ચાલશે.
રાજકોટ શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા અમરેલી ગામ ખાતે પ્રથમ તબક્કામાં 200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જે હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના પરિવારજનો માટેની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો સાથે જ હોસ્પિટલમાં સંશોધન કેન્દ્ર પણ ઊભું કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે મહાસભાનું આયોજન કરવાની વાતચીત ચાલી રહી હતી. ત્યારે આગામી સમયમાં 21મી જાન્યુઆરીના રોજ લાખોની સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના વ્યક્તિઓ એકઠા કરવાનું આયોજન પણ ખોડલધામ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખોડલધામ આવવા માટેનું આમંત્રણ આપી ચૂક્યા છે. ત્યારે આધારભૂત સૂત્રોનું માનીએ તો 21મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ ખાતે આવીને ધ્વજા રોહણ સહિત કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ખોડલધામની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામની મુલાકાત કરે તો તેની સીધી અસર પાટીદાર વોટ બેન્ક ઉપર પણ પડી શકે તેમ છે.