- ત્રીજીવાર ધમકી આપવાની ઘટના બની
- સમય શાહની માતાએ કહ્યું, દીકરા સાથે કંઈ અઘટિત ના બને એની ચિંતા રહે છે
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહ પર તેની બિલ્ડિંગમાં કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમય શાહની માતાએ કહ્યું હતું કે આવું પહેલીવાર બન્યું નથી. ભૂતકાળમાં પણ આવું થયું હતું.
27 ઓક્ટોબરે બનાવ બન્યો
મુંબઈ, બોરીવલીમાં રહેતો સમય શાહ પોતાના ઘરની બહાર હતો ત્યારે આ બનાવ બન્યો હતો. સમયે ઈન્સ્ટા સ્ટોરીમાં બનાવ અંગેની વાત તથા CCTV ફુટેજની એક ક્લિપ શૅર કરી હતી.

સમય શાહ અહીં ફર્સ્ટ ફ્લોર પર રહે છે
શું કહ્યું સમય શાહે?
સમય શાહે કહ્યું હતું, ‘આ વ્યક્તિ બે દિવસ પહેલા મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને કોઈ પણ જાતના કારણ વગર મને ગાળો બોલવા લાગ્યો હતો. મને ખ્યાલ નથી કે આ કોણ છે? મને ગાળો આપવા પાછળનું કારણ પણ મને ખબર નથી અને મને કયા કારણોસર ગાળો આપવામાં આવી તે ખ્યાલ નથી. તેણે મને ધમકી આપી હતી કે તે મને જાનથી મારી નાખશે. હું માનું છું કે મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈક બને તો તેની માહિતી ચાહકોને હોય અને તેથી જ હું આ વાત કહું છું. આભાર.’

સમય શાહે ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાના પર થયેલા હુમલાની વાત કરી હતી
અચાનક જ એક છોકરો મારી પાસે આવ્યો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સમય શાહે કહ્યું હતું, ’27 નવેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ હું શૂટિંગ પૂરું કરીને મારા ઘરે પરત ફર્યો હતો. અચાનક જ એક છોકરો મારી પાસે આવ્યો અને તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. હું કંઈ સમજુ તે પહેલા તેણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતો. મેં તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો અને મારા ઘરે ફોન કર્યો હતો. પછી તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. સાચું કહું તો હું આવી નાની-મોટી ધમકીથી ડરતો નથી પણ મારો પરિવાર ઘણો જ ડરી ગયો છે. ફેમિલી મેમ્બર્સને સંભાળવા થોડાં મુશ્કેલ છે. અમે બોરિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. CCTV ફુટેજ પરથી પોલીસે તપાસ શરૂ કરી છે. આશા છે કે તેઓ જલ્દી પકડાઈ જશે અને મને પણ ખબર પડી જશે કે આખરે તેઓ ઈચ્છે છે શું?’

સમય શાહને આ બિલ્ડિંગની બહાર યુવકે ગાળો આપી હતી
માતાએ ચિંતા વ્યક્ત કરી
સમય શાહની માતા નીમા શાહે કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાંક મહિનાથી અમારો ડ્રાઈવર નોકરીએ આવતો નથી અને તેથી જ સમય લોકલ કેબમાં ટ્રાવેલ કરે છે. આ ધમકી પહેલીવાર મળી નથી. આ પહેલા પણ સમય સાથે આવી ઘટના બની ચૂકી હતી. આ પહેલા બે વાર તેને ધમકી મળી હતી પરંતુ મેં તેના પર બહુ ધ્યાન આપ્યું નહોતું. જોકે, આ વખતે ગંભીર બાબત છે. કોઈ મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તો મને કેમ ટેન્શન ના થાય? મને તો એ વાતનો ડર છે કે મારા દીકરા સાથે કંઈક અઘટિત ના બને. હાલ તો મારા ઓળખીતા હોય તેની સાથે જ સમયને મોકલું છું. પ્રયાસ કરું છું કે તેની સાથે સતત રહું. ફુટેજમાં 5-6 છોકરાઓ જોવા મળે છે પરંતુ સાંજનો સમય હોવાથી કોઈને ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.’
કોઈ છોકરીનું ચક્કર પણ નથી
વધુમાં નીમાએ કહ્યું હતું, ‘સમયનો કોઈની સાથે ઝઘડો થયો નથી. આ ઘટના બાદ મેં તેને મારી સામે બેસાડીને પૂછ્યું હતું કે ક્યાંક પૈસાની લેવડ-દેવડ કે છોકરીનું ચક્કર અથવા તો કોલેજમાં કોઈની સાથે લડાઈ થઈ નથી ને? સમયે તમામ વાતોની ના પાડી હતી. તેનો કોઈની સાથે ઝઘડો થયો નથી. સમયને પણ ખ્યાલ નથી કે કોઈ તેને કેમ મારવા માગે છે. હું તો બસ એટલી જ આશા રાખું છું કે પોલીસ જલ્દીથી તે બદમાશોને પકડી લે અને મારો દીકરો સલામત રહે’