જેતપુરની એ સક્સેસ સ્કૂલ વાલીઓ પાસે ફરજીયાત ૩૦ હજાર જેટલી ફિ ભરવાનું દબાણ કરતી હોવાનું તેમજ સ્કૂલનું સ્થળ ફેરફાર, તમામ ધોરણની માન્યતા બાબતે જે વિવાદ હતો તે બંધ બારણે અધિકારીઓ પતાવટ કરી લીધી હોવાનો વાલીઓએ શિક્ષણમંત્રીને ફરીયાદ કરીને આ અંગે કોઈ નિવેડો નહિ આવે તો કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.
શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એ સક્સેસ સ્કૂલ અંગે શિક્ષણમંત્રીને રામ ચૌહાણ નામના વાલીએ ફરીયાદ કરી છે કે, ફિ નિયમન કમિટીની વેબ સાઇટ પર રાજ્યની તમામ સ્કૂલની મંજુર થઈ ગયેલ ફિની યાદી છે. પરંતુ એ સક્સેસ સ્કૂલનું આ યાદીમાં નામ જ નથી. જેથી સ્કૂલના સંચાલક દ્વારા વાલીઓ પાસેથી વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ત્રીસ હજાર જેટલી ફિ ભરવાનું દબાણ કરવામાં આવે છે. અને ત્રીસ હજાર પણ પચીસ ટકાના વળતર બાદની ફિ હોવાનું સંચાલક જણાવે છે. પરંતુ સંચાલકો દ્વારા સ્કૂલ ફિ બાબતે સ્કૂલના નોટીસ બોર્ડ પણ કોઈ વિગત દર્શાવી નથી. ઉપરાંત આ સ્કૂલ દ્વારા તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને સ્કૂલ પાસે તમામ ધોરણની માન્યતા પણ ન હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ વિવાદનો અધિકારીઓએ બંધ બારણે પતાવટ કરી લીધી હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે. જેથી આ તમામ વિવાદ બાબતે અધિકારીઓ વાલીઓ સાથે મસલત કરે અને એફઆરસી દ્વારા મંજુર ફિ બાબતે પણ ચોખવટ કરે તેવી વાલીઓએ માંગ કરી છે.
ઉપરાંત સ્કૂલમાં લાયકાત વગરના તેમજ જે તે વિષયના નિષ્ણાંત ન હોય તેવા શિક્ષકો જે તે વિષય વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. અને આ ફરીયાદનો શિક્ષણમંત્રી દ્વારા યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો કોર્ટમાં જવાની વાલીઓએ ચીમકી મારી હતી.