રાજકોટમાં સંબંધોને લાંછન રૂપ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષની સગીરાને તેના સગા જીજાજીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બીભત્સ મેસેજ અને વાતચીત કરી છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. સગીરાના મોટા ભાઈએ મોબાઈલ ચેક કરતાં ભાંડો ફૂટ્યો હતો અને તે બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં બનેવી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં જ રહેતા 23 વર્ષીય યુવાને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા બનેવીનું નામ આપ્યું છે. જેના આધારે રાજકોટ મહિલા પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતે ડ્રાઇવિંગ કામ કરે છે. પરિવારમાં તેમને ચાર ભાઈ અને ત્રણ બહેન છે. તેમની મોટી બહેનના લગ્ન 6 વર્ષ પહેલાં રાજકોટમાં જ થયાં હતાં. સૌથી નાની બહેન 12 વર્ષની છે. જે મારી સાથે રહે છે અને ઘરની નજીકમાં જ તે ક્લાસિસ કરવા જાય છે. માતાનું વર્ષ 2018માં અવસાન થયેલું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે ઘરે હતો ત્યારે ઘરનો મોબાઈલ ચેક કરતાં તે ચોંકી ગયો હતો. જેમાં તેની નાની બહેન સાથે તેના બનેવીએ બીભત્સ વાતો કરેલી હોવાનું જોવા મળ્યું હતું. તેની બહેનનો ભોળપણનો ફાયદો ઉઠાવી આરોપીએ બદકામના ઇરાદાથી ફોનમાં બીભત્સ મેસેજ અને વાતચીત કરી બીભત્સ માંગણી કરી હોવાનું સામે આવતાં તેઓએ તેમની બહેનને આ અંગે પૂછતાં તે ભાંગી પડી હતી. જણાવ્યું હતું કે, બનેવી તેને છેલ્લા દોઢ મહિનાથી હેરાન કરી ખરાબ મેસેજ કરે છે અને કોઈને કહીશ તો તારી બહેન સાથે સંબંધ તોડી નાખીશ અને તેનો પુત્ર પણ રખડતો થઈ જશે તેવી ધમકી આપતો હતો.
બહેનનું લગ્ન જીવન ટકાવવા માટે તેણીએ કોઈને વાત કરી ન હતી અને જીજાજીનો ત્રાસ સહન કરતી રહી હતી. એટલું જ નહિ આરોપી બનેવી તેની સગીર વયની સાળીને બદકામ કરવા માટે મળવા પણ દબાણ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગેની ફરિયાદ પરથી હાલ રાજકોટ મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.