- વાહન માટે ફક્ત એક જ ફાસ્ટેગ નંબર આપવામાં આવે છે, તેથી જૂની વિગતો આપીને નવું ફાસ્ટેગ મેળવી શકાય
- ફાસ્ટેગ બદલવું પડે તો વોલેટમાં રહેલા પૈસા નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર થઈ જશે
- ગાડી ચોરાઈ જાય તો બેંકની હેલ્પલાઇન પર ફોન કરીને ફાસ્ટેગ બ્લોક કરાવવું જરૂરી
ટોલ પ્લાઝા પર ભીડ અને પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સની વસૂલાત ફરજિયાત કરી દીધી છે. જો કોઈ કારચાલકે ફાસ્ટેગ તેમની ગાડી પર નહીં લગાવ્યું હોય તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. ફાસ્ટેગ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)દ્વારા સંચાલિત છે.
દેશભરમાં ફાસ્ટેગનો અમલ લાગુ થઈ ગયો છે. ગાડી પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત થઈ ગયું હોવાથી લોકોએ પણ સરકારના આ નિયમને માનીને તેમની ગાડીઓ પર ફાસ્ટેગ લગાવી દીધું છે. ફાસ્ટેગથી કામ ખરેખર સરળ થઈ ગયું છે. પરંતુ આ સાથે લોકોએ ફાસ્ટેગને લગતી ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, જેમાં ફાસ્ટેગ ચોરાઈ જવું, ડેમેજ થઈ જવું અથવા ફાટી જવું વગેરે જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાસ્ટેગ ખરાબ થઈ જાય કે ચોરી થઈ જાય તો તેના વોલેટમાં રહેલા પૈસા સુરક્ષિત રહેશે કે નહીં એ વિશે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો ફરીથી ફાસ્ટેગ લેવા માટે શું કરવું અને તેનો ખર્ચ કેટલો થશે?વગેરે બાબતો વિશે જાણવું પણ બહુ જરૂરી છે.
ફાસ્ટેગ કેવી રીતે કાર્ય કરે છે?
ફાસ્ટેગ એક રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જે વાહનના વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર લગાવવામાં આવે છે, જેથી ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો પ્લાઝા પરનાં સેન્સર ફાસ્ટેગને રીડ કરી શકે. ત્યાં લાગેલાં ઉપકરણ ઓટોમેટિક રીતે ટોલ ટેક્સ વસૂલ કરી લેશે. તેનાથી ડ્રાઈવરનો સમય પણ બચશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડામાં દર્શાવ્યા પ્રમાણે, હાલમાં દેશનાં 537 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
ફાસ્ટેગને નુકસાન થાય તો સરળતાથી બદલી શકાય છે

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાહન માટે માત્ર એક જ ફાસ્ટેગ મળે છે. જો ફાસ્ટેગને નુકસાન થાય તો તમે તેને સરળતાથી બદલી શકો છો કારણ કે, વાહન માટે ફક્ત એક જ ફાસ્ટેગ નંબર આપવામાં આવે છે, જેમાં વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ટેગ ID સહિત અન્ય વિગતો ભરવાની હોય છે. તેથી, જૂની વિગતો આપીને નવું ફાસ્ટેગ મેળવી શકાય છે.
100 રૂપિયા ચાર્જ ચૂકવીને નવું ફાસ્ટેગ લઈ શકાશે
જો તમારું ફાસ્ટેગ કામ ન કરી રહ્યું હોય તો તમે ઘેરબેઠાં જ ડેમેજ થયેલા અથવા ચોરી થઈ ગયેલા ફાસ્ટેગને બદલી શકો છો. આ માટે તમે પેટીએમ દ્વારા એક નવો ફાસ્ટેગ મેળવી શકો છો. આ માટે 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. એપ્લિકેશન દ્વારા ગાડીનું RC અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપીને તમે ફરીથી ફાસ્ટેગ મેળવી શકશો.
ક્યાંથી ખરીદી શકાય ફાસ્ટેગ ?
- નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી
- SBI, HDFC, ICICI સહિતની બેંક પરથી
- ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન પરથી
- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પરથી
- નેશનલ હાઈવે ઓથોરિટીની myfastag app દ્વારા
વોલેટમાં રહેલી કેશની વેલિડિટી અનલિમિટેડ

કેટલાક લોકોના મગજમાં એવો પ્રશ્ન હોય છે કે આ ફાસ્ટેગ કેટલો સમય ચાલશે? જો તમને પણ આ પ્રશ્ન મૂંઝવતો હોય તો જાણી લો કે ફાસ્ટેગમાં રાખેલી કેશની માન્યતા અમર્યાદિત છે. એટલે કે, જો તમારે ફાસ્ટેગ બદલવું પડે તો પૈસા નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર થઈ જશે. ફાસ્ટેગને My FASTag એપ્લિકેશન અથવા નેટબેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, UPI, પેટીએમ અને અન્ય લોકપ્રિય પદ્ધતિઓ દ્વારા ફાસ્ટેગને રિચાર્જ કરી શકાય છે. તમે આ એપ્લિકેશન્સ દ્વારા ફાસ્ટેગ બદલી શકો છો.
ફાસ્ટેગ ચોરાઈ જાય તો બેંકમાં જાણ કરીને બ્લોક કરાવો

જો ગાડી ચોરાઈ જાય તો બેંકની હેલ્પલાઇન પર ફોન કરીને ફાસ્ટેગ બ્લોક કરાવી શકો છો. ગાડીનો કાચ તૂટવા પર ઘણીવાર ફાસ્ટેગ ડેમેજ થઈ જાય છે. જો આવું થાય તો તમે તેને ગમે ત્યાં બદલાવી શકો છો. જો તમે જાતે બેંક અથવા ફાસ્ટેગ સેન્ટર પર જઇને તમારી કારનું RC અને ડોક્યૂમેન્ટ્સ બતાવીને બીજું ફાસ્ટેગ લેશો તો તમારે કોઈ ચાર્જ પણ ચૂકવવો નહીં પડે.
ફાસ્ટેગ ખાતું ફાસ્ટેગ એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે
જ્યારે તમે પ્રથમ વખત ફાસ્ટેગ માટે અરજી કરશો તો તે સમયે કાયમ માટે એક ફાસ્ટેગ અકાઉન્ટ જનરેટ થાય છે. આ ફાસ્ટેગ ખાતું ઓનલાઇન અથવા ફાસ્ટેગ એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે. તેથી, જ્યારે પણ તમે ફાસ્ટેગ બદલાવો ત્યારે જૂનાં ખાતાંની ડિટેલ્સ વેરિફાય કરીને નવું ફાસ્ટેગ આપી દેવામાં આવે છે.
ફાસ્ટેગ સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો
ફાસ્ટેગને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે, ફાસ્ટેગ યોગ્ય રીતે સ્કેન ન થાય, ફાસ્ટેગને નુકસાન અથવા તૂટી જવા પર અથવા અકાઉન્ટમાં પૈસા હોય તો પણ ટોલ ચૂકવવામાં સમસ્યા થતી હોય તો તમે એક ફોન કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટીના નેશનલ હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરીને, અથવા હાઈવે ઓથોરિટીની વેબસાઈટ www.ihmcl.com અથવા MyFastTag મોબાઈલ એપ દ્વારા તમે ફાસ્ટેગ સાથે જોડાયેલી સમસ્યા વિશે જણાવી શકો છો.