- ઇટોલા સ્ટેશન પાસે રહેતા યુવાને લગ્નની લાલચે પોરની સગારીને ભગાડીને દુષ્કર્મ આચર્યું હતું
વર્ષ 2015માં વડોદરા શહેર નજીક પોર ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં વડોદરા કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
યુવાને દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી થઇ હતી
વડોદરા નજીક આવેલા પોર ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાની માતા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ-2015નાં મે મહિના દરમિયાન રાત્રિના સમયે પરિવાર સૂઇ ગયો હતો, તે દરમિયાન સૌથી નાની દીકરી અચાનક જ ગુમ થઇ ગઇ હતી. દીકરી મળી ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઇટોલા સ્ટેશન પાસે ઈન્દિરા આવાસમાં રહેતો રાકેશ વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે અને યુવકે ઉત્તરાયણ પર પાવાગઢ અને ગોંડલ સહિતના સ્થળોએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે દરમિયાન સગીરાને 7 મહિનાનો ગર્ભ રહ્યો હતો, ત્યારબાદ પોલીસે સગીરાને પરત લઇ આવતા તે માતા-પિતા સાથે ગઈ હતી અને બે મહિના પછી બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ, ચાર મહિના બાદ બાળકીનું મોત નીપજ્યું હતું.
વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં વકીલે દોષિતને મહત્તમ સજાની માંગ કરી હતી
આ બનાવ અંગે વરણામા પોલીસે અપહરણ બળાત્કાર અને પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. ફરિયાદી પક્ષ તરફથી એપીપી વકીલ પી.સી. પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દલીલ કરતાં જણાવ્યું હતું કે, દોષિતે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી છે, જેથી તેને મહત્તમ સજા કરવા અરજ છે.
દુષ્કર્મના ગુનામાં દોષિતને વડોદરા કોર્ટે 10 વર્ષની સખત કેદ ફટકારી
વડોદરા કોર્ટે બન્ને પક્ષોની દલીલો બાદ આરોપી રાકેશ વસાવાને અપહરણ અને દુષ્કર્મના ગુનામાં દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદ તથા 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. જ્યારે દંડની રૂપિયા 10 હજારની રકમ પીડિતાને ચૂકવવાનો આદેશ કર્યો હતો.