- ઉમેદવારની જીતના વધામણામાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યાં
- કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ
સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની આજે મત ગણતરી હતી. જેમાં ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ધારીમાં જે.વી. કાકડિયા, મોરબીમાં બ્રિજેશ મેરજા અને ગઢડામાં આત્મારામ પરમારનો વિજય થયો છે. ત્યારે ગઢડા અને ધારીમાં ઉમેદવારની જીતના વધામણામાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યાં હતા. ગઢડામાં આત્મારામ પરમારને શુભેચ્છા આપવા કાર્યકરો ટોળે વળ્યાં, તો ધારીમાં કાકડિયાના સામૈયામાં પરિવારજનો સહિત કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. મોરબીમાં બ્રિજેશ મેરજાનું જીત બાદ વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં મેરજા માસ્ક વગર જોવા મળ્યાં હતા. કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હતો.
આત્મારામ પરમારે વડીલોના આશિર્વાદ લીધા
ગઢડામાં આત્મારામ પરમારે જીત મળતા જ બજારોમાં મતદારોનો આભાર માનવા નીકળી પડ્યા હતા. ત્યારે મોટી ઉંમરના વડીલોના પગે લાગી આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ ભાજપના નેતા ગોરધન ઝડફિયામને પણ પગે લાગી આશિર્વાદ મેળવ્યા હતા. આ સમયે કાર્યકરો માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતા. આત્મારામ પરમારે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભાવનગર જિલ્લામાં ભાજપના કાર્યકરોએ રસ્તા પર પસાર થતા લોકોના મો મીઠા કરાવી જીતની ઉજવણી કરી હતી. બીજ તરફ કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ભાજપે જીત માટે તોડજોડની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ધારીમાં કાકડિયાના સામૈયામાં પરિવારજનો સહિત કાર્યકરોનો મેળાવડો જામ્યો
જે રીતે મતદારોએ મને જીતાડ્યો છે તે જ રીતે હું બધાના કામ કરીશ: જે.વી.કાકડિયા
જે.વી.કાકડિયાએ જણાવ્યું હતું કે હું 17 હજારથી વધુ મતે વિજયી થયો છું. મતદારો અને ભાજપના હોદ્દેદારોનો હું આભાર માનું છું. આજે ભાજપ પાર્ટીની જીત થઈ છે. જેથી હું પાર્ટીનો આભારી છું. ધારી-બગસરા અને ખાંભાના મતદારો જે રીતે મને જીતાડ્યો છે તે જ રીતે હું આગળ કામ કરીશ. ગામડાના દરેક નાના મોટા કામ કરીશ અને દરેકને ન્યાય મળે તેવી કામગીરી કરીશ. વિકાસ સિવાય અમારો કોઈ લક્ષ્ય નથી.