શિપિંગ, બ્રેકિંગ અને અન્ય વ્યવસાયો થશે
ગુજરાત હવે સિંગાપોર અને દુબઇની માફક મેરિટાઇમ ક્લસ્ટર બનવા જઇ રહ્યું છે. ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ ક્લસ્ટર માટે પસંદગી કરાઇ છે. કેન્દ્ર સરકારના સહયોગથી અહીંયા આખો મેરિટાઇમ બિઝનેસ ધમધમતો થશે. ભારત અને દક્ષિણ એશિયાઇ દેશોમાં એક નવું આ ક્લસ્ટર ઉમેરાતાં હજારો નોકરીઓ નવયુવાનો માટે સર્જાશે. મરીન કાર્ગો, શિપિંગ, શીપ બ્રેકિંગ, ક્રુઝ, બંકર સપ્લાયર્સ જેવાં અનેક આયામોના વ્યાવસાય શરુ થશે.
સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ગુજરાત દેશનું 40% કરતાં વધુ મરીન કાર્ગો અન્ય દેશોમાં વહનનું મુખ્ય કારણ અહીં આવેલા અત્યાધુનિક બંદરો છે. આવાં સંજોગોમાં ગુજરાતમાં જો મેરીટાઇમ ક્લસ્ટર શરુ કરવામાં આવે તો કોલકત્તાથી લઇને મુંબઇ સુધી આ વ્યવસાયમાં જોડાયેલાં તમામ ધંધાદારીઓ અહીં પોતાના થાણાં સ્થાપશે. અને આ માટે અહીં અનેક યુવાનોની જરૂર પડશે જે સ્થાનિક યુવાનો માટે રોજગારીની ઉત્તમ તક હશે. આ ઉપરાંત મેરીટાઇમ ક્ષેત્રના લવાદની એક સંસ્થા પણ આ સાથે જોડાયેલી હશે જે સરળતાથી અને ઝડપથી વિવાદોનો ઉકેલ લાવવામાં મદદરૂપ રહેશે. તદુપરાંત ડીરેક્ટર જનરલ ઓફ શિપિંગનું મુખ્ય કાર્યાલય ગાંધીનગરમાં જ આવશે જેથી આ ક્લસ્ટરને વેગ મળશે.