ભારતમા ઉત્પાદિત મોટરકારની માંગ વિદેશમાં પણ વધી છે. વૈશ્વિક બ્રાન્ડની કારનું ઉત્પાદન વિશ્વના અન્ય દેશની સાથેસાથે ભારતમાં પણ કરાતા, મેડ ઈન ઈન્ડિયા લખેલ કારની નિકાસ વધી છે. માત્ર કાર જ નહીં, પેસેન્જર વાહન અને મોટરબાઈકની પણ નિકાસ વધી છે.
ભારતમાં બનેલા વાહનોને વિદેશી બજારોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં દર મિનિટે 10 વાહનોની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે.
વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ છ મહિનામાં ભારતમાંથી વાહનોની નિકાસ વાર્ષિક ધોરણે 14 ટકા વધી છે. કુલ નિકાસ મુખ્યત્વે પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સના કન્સાઇનમેન્ટમાં વધારો થવાને કારણે વધી છે. આ માહિતી વાહન નિર્માતાઓની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આપવામાં આવી છે.
સિયામના ડેટા અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બરમાં ભારતની વાહનોની નિકાસ 14 ટકા વધીને 25,28,248 યુનિટ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 22,11,457 યુનિટ હતી.
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી 1,47,063 એકમોની નિકાસ સાથે ટોચ પર છે. કંપનીની નિકાસમાં 12 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ 1,31,546 વાહનોની નિકાસ કરી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 84,900 વાહનોની નિકાસ કરી હતી
વિવિધ વિદેશી બજારોમાં નાણાકીય સંકટને કારણે નાણાકીય વર્ષ 2023-24માં વાહનની નિકાસમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત નાણાકીય વર્ષમાં કુલ નિકાસ 45,00,492 એકમ હતી, જ્યારે 2022-23માં તે 47,61,299 એકમ હતી.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ટુ-વ્હીલર્સની નિકાસ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 19,59,145 યુનિટ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 16,85,907 યુનિટ હતી.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 84,900 વાહનોની નિકાસ કરી હતી જે અગાઉના 2023-24ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળામાં 86,105 એકમો હતી. આ એક ટકાનો ઘટાડો છે.