લોધિકા સંઘ ચૂંટણીમાં 100 ટકા મતદાન: અંતિમ ઘડીએ નવો ખેલ પડયો:એક ઉમેદવાર ઢાંકેચા છાવણીમાં.

0
511

12 મત પ્રથમ કલાકમાં પડયા: એક ઉમેદવારનો મત છેલ્લી ઘડીએ પડયો: કાલે મતગણતરી: બેને બદલે ત્રણેય બેઠકમાં ઢાંકેચા જુથનો હાથ ઉપર રહેવાનો નિર્દેશ


રાજકોટ લોધિકા સહકારી સંઘની ત્રણ બેઠકો માયે યોજાયેલ ચૂંટણી મતદાનમાં 100 ટકા મતદાન થયું હતું. આવતીકાલે મતગણતરી યોજાશે. છેલ્લી ઘડીએ ખેલ પડયો હતો અને ચૂંટણી જંગના એક ઉમેદવાર ઢાંકેચા છાવણીમાં પહોંચી ગયા હતા. આ સંજોગોમાં ત્રણેય બેઠક ઢાંકેચા જૂથને મળવાનો દાવો છે.

રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી જાહેર થયા બાદ શાસક નીતીન ઢાંકેચા તથા પ્રતિસ્પર્ધી ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથ વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. પુરવઠાપ્રધાન જયેશ રાદડીયાની દરમ્યાનગીરીથી સર્વસંમત ઉમેદવારો જાહેર થયા હતા. પરંતુ ત્યારબાદ કાવાદાવા થતા બન્ન જૂથ સાબદા થઈ ગયા હતા. ત્રણ બેઠકોમાં એકથી વધુ ઉમેદવાર જંગમાં રહેતા ચૂંટણીની નોબત આવી હતી. બન્ને જૂથોએ તેમાં દાવપેચ પણ શરૂ કરી દીધા હતા. ચૂંટણી પુર્વે મતદારોને અજ્ઞાત સ્થળે લઈ આવ્યા હતા. તોડફોડ રોકવાનો જ આશય હતો. આજે મતદારોને સીધા મતદાન મથકે જ લાવવામાં આવ્યા હતા.

જે ત્રણ બેઠકોની ચૂંટણી થઈ છે તેમાં સમજુતી મુજબ બે બેઠક ઢાંકેચા જુથને તથા એક બેઠક રૈયાણી જૂથને ફાળવવામાં આવી હતી. સૂત્રોએ એમ કહ્યું છે કે સમજુતી પરનો ભરોસો ઉઠી ગયો હોવાના કારણોસર આગામી ચેરમેનપદ માટે પણ કદાચ મડાગાંઠ-ખેંચતાણ થઈ શકે તેવી ભીતિ વચ્ચે અંતિમ ઘડીએ ખેલ પાડી દેવામાં આવ્યો હતો. માહિતગાર સૂત્રોએ કહ્યું કે ભૂપગઢ તથા પારડીની બેઠકો ઢાંકેચા જૂથને ફાળવવામાં આવી હતી. તેના છ મતદારોને સહેલગાહે લઈ જઈને જીત પાકી કરી લેવામાં આવી જ હતી.

આ સિવાય રૈયાની બેઠકમાં પણ ખેલ પાડવામાં આવ્યો છે તેમાં સ્વતંત્ર રીતે ઝુકાવનાર ઉમેદવાર જીતવાના અને તે ઢાંકેચા જૂથની છાવણીમાં આવી ગયા છે. આવતીકાલે મતગણતરી છે. આ ઉમેદવાર જીતવાના સંજોગોમાં ત્રણેય ઉમેદવાર ઢાંકેચા જૂથના રહે તેમ છે. મૂળ સમજુતી પ્રમાણે રૈયાણી જુથને આઠ તથા ઢાંકેચા જૂથને સાત બેઠક ફાળવાઈ હતી. પરિણામ પલ્ટાવવા સંજોગોમાં ઢાંકેચા જૂથની આઠ તથા રૈયાણી જૂથની સાત બેઠક થાય તેમ છે. ચેરમેનપદની ચૂંટણીમાં આ બદલાવ નિર્ણાયક સાબીત થઈ શકે છે એટલું જ નહીં ભવિષ્યમાં વખતોવખત ટકકર સર્જાતી રહેવાની પણ આશંકા રહે તેમ છે.

આજે મતદાનમાં કુલ 13 મતદારો હતા તેમાંથી 12 મત પ્રથમ કલાકમાં જ પડી ગયા હતા. ભૂપગઢની બેઠકના ઉમેદવાર કરશનભાઈ ડાંગર છેક છેલ્લી કલાકમાં મતદાન કરવા આવ્યા હતા એટલે ચૂંટણીતંત્ર તથા સહકારી આગેવાનોએ છેવટ સુધી રાહ જોવી પડી હતી. છેલ્લી કલાકમાં ઉમેદવારનું મતદાન થઈ જતા 100 ટકા મતદાન થઈ ગયુ હતું.