નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બ્રેક ડાઉન થયેલ ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી. જે બાદ એસટી બસની પાછળ ધડાકામ કરતું ટ્રેલર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેને લઈ બસમાં મુસાફરોના જીવ થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોધાયેલી ફરિયાદમાં ફરિયાદી જાતે આરોપી તરીકે છે.
STનો ચાલક સામેથી આવતાં વાહોનાના લાઈટથી અંજાઈ ગયો
પંચમહાલ જિલ્લાના મોરવા હળપ ગામે રહેતા 42 વર્ષિય પ્રભાતસીગ સમરસીગ બારૈયા પોતે દાહોદ ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. તેઓ દાહોદ ડેપોથી મોરબી બસ લઈને જાય છે. ગત 8મી મે ના રોજ એસટી બસ નંબર (GJ 18 Z 6546)માં દાહોદ ખાતેથી આ બસ લઈને મોરબી ગયા હતા. જ્યાંથી બીજા દિવસની સાંજે આ બસ લઈને દાહોદ જતાં હતાં. ગતરોજ રાત્રે બે વાગ્યાની આસપાસ પ્રભાતસીગ બારૈયા એસટી બસમાં મુસાફરોને બેસાડી દાહોદ આવતા હતા, આ વખતે નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર જોરાપુરા પાસે હાઈવેની સાઈડમાં બ્રેક ડાઉન થયેલ ટ્રક નંબર (RJ 14 GL 0967) ઊભી હોય ઉપરોક્ત એસટીના ચાલક સામેથી આવતા વાહનોના લાઈટથી અંજાઈ જતા આ ટ્રકના પાછળના ભાગે એસટી બસને અથડાવી હતી.
મુસાફરોના માથેથી બે-બે ઘાત ટળી
આ અકસ્માતમાં એસટી બસના ચાલક સહિત મુસાફરોને કોઈ ઈજા પહોંચી નહોતી. આ બાદ એસટી બસના ચાલકે નીચે ઉતરી જોતા એટલામાં જ પાછળથી આવી રહેલ ટ્રેલર નંબર (GJ 12 BV 5302)ના ચાલકે પોતાનુ વાહન આ એસટી બસના પાછળના ભાગે અથડાવ્યું હતું. જોકે આ વખતે પણ બસમાં બેઠેલા મુસાફરોને કોઈ ઈજા થઈ નહોતી. આમ મુસાફરોના માથેથી બે-બે ઘાત ટળી છે. જોકે, આ બનાવના પગલે થોડા સમય માટે મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદી પ્રભાતસીગ સમરસીગ બારૈયાએ પોતાની સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એસટી બસના ચાલકની આવી બેદરકારીના પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.