રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થનો ઉપયોગ થતો અટકાવવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે શહેરનાં રૈયારોડ નજીકની 17 હોટલ અને રેસ્ટોરાંમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે તપાસ કરવામાં આવતી હતી. જેમાં અલગ અલગ સ્થળોએથી મળીને 16 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. 2 વેપારીને સ્ટોરેજ તેમજ હાઇજેનિક કન્ડિશન જાળવવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ પનીરનો જથ્થો ભાવનગરના મેસવડાથી રાજકોટ રેસ્ટોરાંમાં આવતાં પહેલાં ઝડપી લેવાયો હતો.
રૈયા રોડ નજીકના વિસ્તારોમાં દરોડા
જાણવા મળતી વિગત મુજબ, આજે સવારથી મનપાનાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમ શહેરના રૈયા રોડ નજીકના વિસ્તારોમાં પહોંચી હતી. જ્યાં રૈયા સર્કલની નજીક આવેલ કૂલચા કઝીન્સ રેસ્ટોરાંમાં ફૂડ સેફ્ટીને લઈને દરોડો પાડવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન કુલચા કઝીન્સમાં મોટી માત્રામાં અખાદ્ય-વાસી ખોરાક મળી આવતા પ્રિપર્ડ ફૂડ ચટણી, બાફેલા શાકભાજીઓ અને ગ્રેવી સહિત 12 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે વોકલી પીઝામાંથી પણ કાપેલા શાકભાજી, ફૂડ ચપાટી સહિતની 4 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરી બંનેને નોટિસ ફટકારવામાં આવી હતી.
ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા બર્ગર સિંગ, રોયલ બાઈટ રેસ્ટોરાં, પંડ્યાઝ રસથાળ, ડોમિનોઝ પીઝા, સોનાલી પાઉંભાજી, સંકલ્પ રેસ્ટોરાં, શંભુઝ કાફે અને બાલાજી થાળ સહિતના અન્ય 15 જેટલા સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, બાકીના સ્થળે કોઈ ખાસ અખાદ્ય પદાર્થ કે ગેરરીતી જોવા મળી નથી. જેને લઈને ફૂડ વિભાગ દ્વારા હાઇજેનિક કન્ડિશનને જાળવી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરાં સહિતના સ્થળોએ ચકાસણી ચાલુ રાખવામાં આવનાર હોવાનું મનપાની સત્તાવાર યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.