News Updates
RAJKOT

Rajkot:મામાના હાથે ભાણેજની હત્યા આડા સંબંધની શંકાએ :સાંજે ફોન કરીને ધમકાવ્યો હતો,વિંછિયાના 22 વર્ષીય યુવકને ધારદાર હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Spread the love

રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે ગઇકાલે રાત્રીના આડા સંબંધની શંકાએ મામાના હાથે ભાણેજની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મામા તથા મામાના દીકરા સહિત કુલ 7 આરોપીઓએ મળી 22 વર્ષીય મયુર ઉર્ફે મયલાને ધારીયા, કુહાડી, છરીના ઘા ઝીંકી મૃત્યુ નીપજાવવામાં આવ્યું હતું. હત્યા પૂર્વે આરોપીઓએ સાંજના સમયે મૃત યુવાનને ફોન પર ’તને આજે પતાવી જ દેવો છે’ કહી ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે મૃત્યુ યુવકના સાયલના કસવાળી ગામે રહેતા મામા ચોથા મંદુરિયા, મામાના દીકરા રામકુ, વનરાજ, ઉમેશ, ચોટીલાના ધારેઈના રમેશ મેરા, તેના પુત્રો સતા અને ટોના સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં રાયધન વશરામભાઈ સાઢમીયા (ઉ.વ.25) એ જણાવ્યું હતું કે, અમે નવ ભાઈઓ તથા ત્રણ બહેનો છીએ. હું મજૂરી કરી મારા માતા-પિતા સાથે રહી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. ગઇકાલ તા.2.10.2024ના આશરે સાંજના 6 વાગ્યાની આસપાસ મોટા માત્રા ચોકડી પાસે બાપા સીતારામના ઓટાની પાછળ આવેલા ઝૂંપડામાં હું તથા મારા પાંચ ભાઇ તથા ભાઈના પત્ની વસંતબેન, મારી બહેન સુધાબહેન, મારો મિત્ર સંજયભાઈ ખેંગારભાઈ મંદુરીયા એમ અમે બધા અમારા ઝુંપડે હોઈ ત્યારે આ મારો નાનો ભાઈ મયુરભાઇ ઉર્ફે મયલો ફોનમાં ગાળો બોલતો હતો. જેથી મેં કહેલ કે કોનો ફોન છે? જેથી મારા ભાઈએ જણાવેલ કે, ધારેઇ ગામના રમેશ મેરાભાઈનો ફોન હતો. જેની દીકરી અને મારા મામાના દીકરા વનરાજભાઈ ચોથાભાઈની પત્ની સાથે મારે આડા સંબંધ હોવાની શંકા રાખી મને જેમ ફાવે તેમ ગાળો આપે છે અને મને પતાવી દેવો છે એવી ધમકી આપે છે. એમ મારા ભાઈએ મને વાત કરેલ હતી. જેથી, અમે બધા જ ડરી ગયા હતા.

વધુમાં રાયધને જણાવ્યું હતું કે, રાતે આશરે 8.30 વાગ્યે મોટા માત્રા હાઇસ્કુલ સામે આવેલ અમારા બીજા ઝુંપડે જવા ગાડા સાથે નીકળેલ અને ગાડુ મારો નાનો ભાઈ અબ્દુલભાઈ ચલાવતો હતો. મારો નાનો ભાઈ મયુર ગાડાની આગળ ચાલતો હતો. માત્રાની ચોકડીથી થોડા આગળ આશરે એકાદ કિલોમીટર મોટા માત્રા બાજુ જતા હતા ત્યારે મોટા માત્રા ગામ બાજુથી બે મોટર સાયકલ આવેલ જે પહેલા મોટર સાયકલમાંથી ધારેઈ ગામનો રમેશ મેરા, તેનો દીકરો સતા રમેશ, ટોના રમેશ એમ ત્રણેય ઉતરેલ અને આ રમેશના હાથમાં ધારીયુ હતું. તેના દીકરા સતાના હાથમાં કુહાડી હતી.

બીજા મોટરસાયકલમાંથી કસવાળી ગામના મારા મામા ચોથાભાઈ સગરામભાઈ મંદુરીયા તથા તેનો દીકરો રામકુ ચોથા, વનરાજ ચોથા, ઉમેશ ચોથા એમ ચારેય ઉતરેલ અને ચોથાભાઈના હાથમાં લાકડી તથા રામકુના હાથમાં લોખંડનો પાઈપ તથા ઉમેશના હાથમાં છરી હતી. આ બધા એકસાથે આવી આ મારા ભાઈ મયુરભાઈને જેમ ફાવે એમ અપશબ્દો કહેવા લાગ્યા. મેં અપશબ્દો દેવાની ના પાડતા રમેશે ઉશ્કેરાય ધારીયાનો એક ઘા મયુરના માથામાં ઝીંકી દીધો. મયુર નીચે પડી જતા ટોનાભાઈએ મયુરને પકડી રાખ્યો. મામા ચોથાભાઇએ લાકડીના ઘા મયુરના માથામાં માર્યા હતા. રામકુએ લોખંડના પાઈપ વડે મારેલ અને ઉમેશે છરીના ઘા મયુરના મોઢા પર માર્યા. જયારે સતાએ મયુરના પગે કુહાડીના ઘા મારેલ તો વનરાજ ઢીકા પાટુનો માર મારતો હતો.

મારો ભાઈ મયુર લોહી લુહાણ થઈ જતા આ તમામ બાઈક પર નાસી છૂટ્યા હતા. મેં 108માં કોલ કર્યો હતો. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી જતા મયુરને વિંછીયા સરકારી દવાખાને ખસેડાયો હતો. આ સાથે હું અને મોટાભાઇ બાલીભાઈ હતા. ત્યાં પહોંચતા ડોકટરે મારા ભાઈ મયુરને મૃત જાહેર કરેલ. પોલીસને જાણ કરાતા વિંછીયા પોલીસનો સ્ટાફ આવેલ અને મારા ભાઈના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાયધને કહ્યું કે, આ બનાવનું કારણ એવું છે કે, મયુરને ધારેઇ ગામના રમેશની દીકરી અને મારા મામાના દીકરા વનરાજની પત્ની ગડુબેન સાથે આડા સબંધ હોવાની શંકા હોય. જેથી, રમેશભાઈએ મારા ભાઈને ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને પછી આ રીતે હુમલો કર્યો હતો.


Spread the love

Related posts

Jamnagar:ફટાકડા ફોડવાને લઈ બબાલ કાલાવડના હરિપર મેવાસા ગામમાં,ફાયરિંગમાં 3 મહિલાઓ સહિત 5 લોકો ઈજાગ્રસ્ત

Team News Updates

રાજકોટ બસ પોર્ટમાં દારુ પાર્ટીઓ કરનારાઓ સામે ST અને એજન્સી દ્વારા પોલીસ કાર્યવાહી ટાળવારુપ કાર્યવાહી!

Team News Updates

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates