તાલાલા તાલુકાનું ઘુસિયા ગીર ગામ બે સદી પહેલાં પ્રભાસપાટણ મહાલમાં હતું. 1904માં સાસણગીર મહાલને બદલે નવનિર્મિત તાલાલા મહાલ બન્યા બાદ ધુંસિયા ગામનો તાલાલા મહાલમાં સમાવેશ થયો હતો. ગામની સુખાકારી મંગલમય બને માટે ગ્રામજનો દ્વારા ગામને નૂતન તોરણ બંધાવવાનો ભવ્ય નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં ગ્રામજનો હોંશેહોશે ભાગ લઈ રહ્યા છે.
બે સદી પહેલાં વસેલા ઘુસિયા ગીર ગામના યુવાનો તબીબી, કાયદાકીય અને કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપે છે. આ ઉપરાંત ગામના 200 જેટલા યુવાનો સરકારના વિવિધ વિભાગોમાં ઉમદા સેવા પ્રદાન કરી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન અને સરકારી ક્ષેત્ર સાથે ગ્રામજનો શ્રેષ્ઠ કામગીરી કરતા હોય આજે ઘુસિયા ગીર ગામનો સુખી-સંપન્ન ગામોમાં સમાવેશ થાય છે.
તાલાલા તાલુકાનું બે સદી પહેલાં વસેલું સુખી અને સમૃદ્ધ ઘુસિયા ગીર ગામનું નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે નુતન તોરણ બંધાયું હતું. ગામના અગ્રણી જીવાભાઈ બારડના જણાવ્યા પ્રમાણે, તાલાલા-વેરાવળ સ્ટેટ હાઇવે ઉપર આવેલ ઘુંસિયા ગીર ગામ બે સદી પહેલાં વસેલું છે. સનાતન સંસ્કૃતિ પ્રમાણે 211 વર્ષ બાદ ગામને નૂતન તોરણ બંધાવાનું હોય તે પરંપરા પ્રમાણે આજે ગુરૂવારે પ્રથમ નોરતાના મંગલ દિવસે નૂતન તોરણ બંધાયું હતું.
આ પસંગે ગામની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગામના મુખ્ય ચોકમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો. યજ્ઞમાં તથા બીડું હોમવામાં ગામના તમામ પરિવારો આહૂતિ આપી હતી. ત્યાર બાદ ગામના મેઘવાળ સમાજના ચાવડા પરિવારના હસ્તે ગામનું નૂતન તોરણ બંધાવવામાં આવ્યું હતું. તોરણ બંધાયા બાદ કુંવારીકાઓ તથા સૌભાગ્યવતી બહેનો કળશ તથા માથે પાણી ભરેલા બેડા અને પરંપરાગત પહેરવેશમાં સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો
ગામના ગૌરવવંતા આ પ્રસંગે ગામમાં વસવાટ કરતાં તમામ સમાજના સાત હજાર લોકો એક જ પંગત ઉપર બેસી સમૂહ ભોજન પણ કર્યું હતું