આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક, પણ ભણેલાગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે છે. એવો જ એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં બનવા પામ્યો છે. એમાં એક ઢોંગી જોડીએ તાંત્રિક વિધિના નામે છેલ્લા કેટલાય સમયથી મોડસ એપરેન્ડી રચી હતી અને એક પરિવારને નિશાન બનાવ્યો હતો. ચાર-પાંચ વર્ષથી રામાપીરના ભક્ત હોવાના નામે પરિવારના ઘરે જઈ દક્ષિણારૂપે એક રૂપિયો માંગતા માંગતા પરિવારને પોતાની માયાજાળમાં ફસાવ્યા. પરિવારને ઠગાયા હોવાની જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં ઢોંગી બંટી-બબલીની કરતૂતોનો ભાંડો ફૂટ્યો. તો આવો જાણીએ સમગ્ર ઘટના વિશે…
વધુ એક તાંત્રિક વિધિના નામે છેતરપીંડીનો બનાવ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિનું પ્રમાણ વધતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. પહેલા એકાદ વર્ષ પહેલા તાલાલામાં એક પરિવારે પોતાની દીકરીની બલી આપી હતી. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસે તાલાલા, પાણીકોઠ, જાવંત્રી ગામમાંથી પણ તાંત્રિક વિધિના નામે લોકોને છેતરતી ગેંગને ઝડપી પાડી હતી. જેમની પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. વધુ એકવાર કોડીનાર નજીકના કડોદરા ગામથી તાંત્રિક વિધિના નામે છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે.
કેફી દ્રવ્ય મિલાવી ખેડૂત પરિવારને પીવડાવી અર્ધબેભાન કર્યા
થોડા દિવસ પહેલાં કોડીનારના કડોદરા ગામે સુરસિંહ પ્રતાપ મોરી નામના ખેડૂતની વાડીએ એક પુરુષ અને એક સ્ત્રી આવ્યા હતા. આવતાં જ ખેડૂત અને તેના પરિવારને કહ્યું કે, તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી જેથી વિધિ કરવી પડશે. વિધિના બહાને ઘરનું તમામ સોનુ અને રોકડ ખુલ્લી મૂકી એક પોટલી તૈયાર કરાવી તેના પર વિધિ કરી. વિધિના અંતે પ્રસાદીરૂપે પાણી આપી તેમાં કેફી દ્રવ્ય મિલાવી ખેડૂત પરિવારને પીવડાવી અર્ધબેભાન કર્યા અને બંને ઠગ સોનુ લઈ ફરાર થઈ ગયા. બાદમાં ખેડૂત પરિવારને છેતરપીંડીની જાણ થતા તેઓએ તાત્કાલિક કોડીનાર પોલીસમાં ફરિયાદ નોધાવી અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી તમારે વિધિ કરાવી પડશે
ભોગ બનનાર માનુબેન મોરીએ જણાવ્યા અનુસાર, મારી વાડીએ આવેલા પુરુષ અને સ્ત્રીએ મારી વહુને કહ્યું, અમારે એકટાણું છોડાવું છે. જેથી તમે ખીર બનાવો અને રિંગણા બટેકાનું શાક બનાવજો પણ તેમાં લસણ કે ડુંગળી નાખતા નહીં. જેથી મારી વહુ ‘સસી’ હા નહીં નાખીએ કહીંને ખાવાનું બનાવા ગઈ. બાદમાં જમીને તેમણે અમને બધાને ભેગા કર્યા અને અમને કહ્યું, તમારે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી, તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી જેથી તમારે વિધિ કરાવી પડશે. ઘરમાં રહેલા તમામ દાગીના અને રોકડ રકમ બહાર લઈને આવવાનું કહ્યું અને તેની એક પોટલી તૈયાર કરાવી અમારી જોડે. ત્યાર બાદ વિધિ પત્યા પછી મારી વહુ ચોખા લઈને ધોવા ગઈ અને તે સ્ત્રીએ કહ્યું મારે બાથરૂમ જવું છે. જે ઘરના રૂમમાં છે. જેથી તીજોરીનો દરવાજો ખુલ્લો હતો અને અમને બેભાન કરી તિજોરીમાંથી પોટલી કાઢી બંને ફરાર થઈ ગયા. અંદર 70 હજાર રોકડ હતી અને પાંચથી છ તોલા સોનું હતું. 6 વર્ષથી વધારે સમયથી અમારા ઘરે આવતો હતો અને એક રૂપિયો લઈ જતો કોઈક વખતે પાંચ રૂપિયા આપ્યે તો ચાર રૂપિયા પાછા આપી દેતો.
પોલીસે હ્યુમન ઇન્ટરેસ્ટ અને પોતાના સૂત્રોને એક્ટિવ કર્યા
આ આરોપી એટલા ચાલાક હતા કે હાઇવે પરના તમામ હોટેલો સહિત અનેક જગ્યાએ પોલીસે સીસીટીવી ચેક કર્યા પણ પોલીસને કોઈ સુરાગ મળતો ન હતો. જોકે ત્યાર બાદ કોડીનાર પોલીસે હ્યુમન ઇન્ટરેસ્ટ અને પોતાના સૂત્રોને એક્ટિવ કરી. મહામહેનતે આરોપી કનુનાથ દેવાનાથ માંગરોલિયા (રહે.ખાંભા હાલ વિજપડી, તા.સાવરકુંડલા) અને માધુરી ઉર્ફે મધુ સંજયનાથ પરમાર (રહે.મોટા ખૂંટવડા તા.મહુવા)ને ગીરગઢડાના હરમડિયા મુકામેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.
મામા-ભાણેજની હરમડિયા ગામ નજીકથી ધરપકડ કરી
ASP જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ, પુરુષ આરોપી ચાર-પાંચ વર્ષથી માંગવાના બહાને ખેડૂતની વાડી પર આવતો અને માત્ર એક રૂપિયો જ લેતો. પોતે રામાપીરનો ભકત હોવાનું કહેતો હતો અને ત્યાર બાદ તેણે ખેડૂતનો પ્રથમ વિશ્વાસ જીત્યો. ત્યાર બાદ પોતાની ભાણેજ મહિલાને માતાજી તરીકે દર્શાવીને વિધિના બહાને ખેડૂતને લૂંટી લીધો હતો. જોકે કોડીનાર પોલીસે (બંટી બબલી) મામા-ભાણેજની હરમડિયા ગામ નજીકથી ધરપકડ કરી અને અંદાજીત 7 તોલા સોનુ અને 48 હજારની રોકડ રિકવર કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ અપાયા છે.