જામનગર: કાળમુખા કોરોનાને પગલે જામનગર શહેરમાં ભરાતી તમામ ગુજરી બજાર છેલ્લા પાંચ-પાંચ માસથી બંધ રહેતા આશરે 500 જેટલા પાથરણાવાળાઓ અને ફેરિયાઓની આજીવિકા બંધ થતા તેઓની તાવડી ટેકો લઈ જાય તેવી કફોડી પરિસ્થિતિ થઈ છે. આથી શહેરમાં નીતિ નિયમોના પાલન સાથે ગુજરી બજાર શરૂ કરવાની માંગ સાથે 200 જેટલા ગુજરી બજાર એસો.ના સભ્યોએ ભાજપના નગરસેવક રચનાબેન નંદાણિયાની આગેવાની હેઠળ એક સૂર થઈ સાંસદ, રાજયમંત્રી, મ્યુ.કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.
સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર બજાર એસો.ના સભ્યોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, જામનગરમાં કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડ લાઈન્સ તથા જિલ્લા કલેકટરના જાહેરનામા અન્વયે ગુજરી બજારો બંધ રાખવાના આદેશ અપાયો છે. જે અન્વયે છેલ્લા પાંચ માસ જેટલા સમયગાળાથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ભરાતી અને ગરીબ મધ્યમ વર્ગીય લોકોને આજીવીકા પુરી પાડતી સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનીવાર ગુજરી બજાર બંધ છે. આથી ગુજરી બજારમાં બેસી રોટલો રળતા 400થી 500 લોકોની આજીવિકા સામે પ્રશ્ર્નો ઉભો થયો છે. હાલ 400થી 500 રેકડી, પથારા વાળાઓ બેરોજગાર બનેલા છે અને પોતે અન્ય કોઈ હુન્નર કે કામકાજ જાણતા ન હોય તેમજ વર્ષોથી એકને એક ગુજરી બજારમાં રેકડી, પથારા રાખી જુદી જુદી ચીજ વસ્તુઓ રાખી વેંચાણ કરી રોજગાર ચલાવતા હોય તેઓની હાલાત કફોડી બનેલ છે.
ગુજરાત રાજયમાં તથા જામનગર શહેરમાં સરકારના દિશાનિર્દેશ મુજબ મોટા ભાગના કામ ધંધા તથા ઉદ્યોગો તથા માર્કેટ એસો.નો ચાલુ થઈ ગયેલા હોવાથી લોકોની આજીવીકા ચાલુ થઈ ગયેલ છે. પરંતુ છેલ્લા પાંચ માસના સમયગાળાથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં જે ગુજરી બજાર ભરાય છે અને 400થી 500 જેટલા રેકડી, પથારા વાળાઓ આત્મનિર્ભર રીતે પોતાનું કામ ધંધો કરે છે તેઓ ગુજરી બજાર ચાલુ ન થતા તેઓની પરિસ્થિતી ગંભીર બનેલ છે. તેઓને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. હાલ મોટા ભાગના કામ ધંધા તથા રોજગાર જામનગર શહેરમાં ચાલુ થઈ ગયેલ છે તેવામાં રેકડી, પથારાવાળાઓ તથા તેમના ઘર પરીવાર વાળાઓને ધ્યાનમાં લઈ તેઓ ઉપર રહેમ નજર રાખી તેઓની આજીવીકા ચાલુ થાય તે માટે જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં જે ગુજરી બજાર ધમધમતી કરવા વિનવણી કરાઈ છેે.
ગુજરી બજાર શરૂ થતા ગુજરી બજારમાં પાથરણા વાળાઓ દ્વારા સરકારી ગાઈડલાઈન સાથે માસ્ક સોશિયલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન સહિતનું પાલન કરશે. તેવી અંતમાં બાહેંધરી આપી હતી.
અહેવાલ :- સાગર સંઘાણી,( જામનગર )