કેશોદના માણેકવાડા ગામે સામાજિક સંસ્થાઓ દ્વારા દવા છંટકાવ કરી રોગમુક્ત બનાવ્યું…

0
263

કેશોદ: સૌરાષ્ટ્રમાં છેલ્લાં દિવસોમાં અવિરતપણે પડેલાં વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લગભગ દરેક ડેમો માં પાણીની આવક વધી જતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં જેનાં કારણે નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. કેશોદના માણેકવાડા ગામે પણ ઠેર ઠેર પાણી ભરાવા ઉપરાંત કાદવ કીચડ થતાં પાણીજન્ય રોગચાળામાં ગામવાસીઓ સપડાઈને જીવલેણ રોગથી પીડિત બને એ પહેલાં જ સમગ્ર ગામમાં સામાજિક સંસ્થાઓ દ્વારા દવા છંટકાવ કરી રોગમુક્ત બનાવ્યું હતું. કેશોદના માણેકવાડા ગામે ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ અને જય મુરલીધર ગ્રુપ દ્વારા માણેકવાડા ગામે દરેક શેરીઓમાં દવા છંટકાવ કરવામાં આવેલ અને રહીશો ને જાહેરમાં ગંદકી ન ફેલાવવા સમજણ આપવામાં આવી હતી. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ અને જય મુરલીધર ગ્રુપ નાં આરોગ્ય કર્મચારી કૌશિકભાઈ દેવાણી,કાનભાઈ વીરડા,નાજાભાઈ કુવાડીયા, વિપુલભાઈ કાનગડ અને પ્રવિણભાઈ ગઢવી દ્વારા જહેમત ઉઠાવી સમગ્ર ગામમાં સુંદર પ્રવૃત્તિ કરી હતી. જય મુરલીધર ગ્રુપ નાં કાનભાઈ વિરડા અને ટીમ દ્વારા આ વિસ્તારમાં જરૂરતમંદ દર્દીઓ ને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ અવિરતપણે ચાલતી સેવાકીય પ્રવૃતિઓ ની સાથે સાથે શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને માણેકવાડા ગામવાસીઓ દ્વારા ઉત્સાહભેર સહકાર આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગંભીરતાથી પગલાં ભરવામાં આવે છે ત્યારે કેશોદના માણેકવાડા ગામે સામાજિક સંસ્થાઓ દ્વારા દવા છંટકાવ કરી પાણીજન્ય રોગચાળામાં રોગમુક્ત બનાવવા માટે કરેલી સરાહનીય કામગીરી અન્ય લોકોને દિશાસૂચક અને પ્રેરણાદાયક બની છે.
અહેવાલ :- અનિરુદ્ધ સિંહ બાબરીયા.કેશોદ