પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં શુક્રવારે આગ લાગી હતી. આગની ઘટના બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી ભયાનક ફાટી નીકળી હતી કે ટ્રેનના ત્રણ ડબ્બા સળગીને ખાખ થઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી તે સારી વાત છે. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના હૈદરાબાદથી 45 કિમી દૂર યદાદ્રી જિલ્લામાં બની હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડાથી સિકંદરાબાદ જઈ રહી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને સમયસર બચાવી લેવાયા હતા.
રેલવે સીપીઆરઓએ જણાવ્યું કે ફલકનુમા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ માટે રવાના થઈ હતી. શુક્રવારે સવારે 11.30 વાગ્યે તેલંગાણાના નાલગોંડા નજીક પગડીપલ્લી ખાતે ટ્રેનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ ત્રણ કોચમાં ફેલાઈ ગઈ. આગના કારણે S4, S5 અને S6 કોચ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગ્યા બાદ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. બાદમાં તેમને બીજી ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ટ્રેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેલવેએ તપાસ શરૂ કરી છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે ટ્રેનના કોચ આગની જ્વાળાઓમાં સળગી રહી છે.