દેશભરમાં બુધવારે વસંતનાં વધામણાં સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં વસંત પંચમીના દિવસથી હોળીનો તહેવાર શરૂ થયો છે. બુધવારે વસંત પંચમીના દિવસે મથુરાથી વૃંદાવન સુધી ઉલ્લાસપૂર્વક ગુલાલ ઉડાવવામાં આવ્યો હતો.
આ ઉત્સવ 40 દિવસ સુધી ચાલશે. દર વર્ષે વસંત પંચમીના દિવસે બાંકે બિહારી મંદિરમાં ભક્તો ઠાકુરજી પર રંગબેરંગી અબીર-ગુલાલ ઉડાડે છે. વસંત પંચમીનો દિવસ વ્રજ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા ઉપરાંત રાધા-કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.
આ સાથે જ બાંકે બિહારી મંદિરમાં 40 દિવસનો હોળીનો તહેવાર પણ શરૂ થાય છે. આ પછી 20મી માર્ચે એકાદશીથી 24મી માર્ચ ફાલ્ગુન પૂર્ણિમા સુધી ભવ્ય ફાગણ મહોત્સવ ઉજવાય છે. 25મી માર્ચે ધુળેટીના દિવસે ડોલોત્સવ થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો રંગની પ્રેમવર્ષામાં ભીંજાશે.