રીપોર્ટ પોઝીટીવ આવશે તો? ટેસ્ટ કરાવવામાં લોકોનો ખચકાટ, તંત્રને નવો પડકાર

0
278
માર્કેટયાર્ડમાં 1000-1200 લોકોમાંથી માંડ 121 ટેસ્ટ કરાવવા તૈયાર થયા; દબાણ થતા કેટલાક મજુરો રીતસર રડવા લાગ્યા: જુના-નવા યાર્ડમાં કુલ 32 પોઝીટીવ: સામાકાંઠાના વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમોને નિહાળીને જ લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા: કેટલાંક મકાનને તાળા મારીને છુમંતર થઈ ગયા


રાજકોટમાં કોરોનાના રીતસર આક્રમણ વચ્ચે આરોગ્ય વિભાગે કચેરીઓ-ઓફીસો તથા ડોર-ટુ-ડોર સર્વે ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી છે ત્યારે અનેક વિસ્તારોમાં લોકો ટેસ્ટીંગ કરાવવામાં મોઢું મચકોડતા હોવાના કે ટીમોને નિહાળીને નાસી જતા હોવાનું બહાર આવ્યું છે. તંત્ર માટે આ નવો પડકાર છે.

માર્કેટયાર્ડમાં કેમ્પ દરમ્યાન ટેસ્ટ કરાવવામાં બહુ ઓછા લોકો તૈયાર થયા હતા તેવી જ રીતે સામાકાંઠાના કેટલાંક વિસ્તારોમાં અસંખ્ય પરિવારોએ ટેસ્ટીંગ ન કરાવવા માટે ઘરના દરવાજા જ બંધ કરી દીધા હતા. રાજકોટમાં જુના તથા નવા એમ બન્ને માર્કેટયાર્ડમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ટેસ્ટીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. શાકભાજી-ઘાસચારાની હરરાજી-વેપાર જયાં થાય છે તે જુના યાર્ડમાં અંદાજીત 975 વેપારીઓ-ફેરીયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 27ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

નવા માર્કેટયાર્ડમાં પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં માત્ર 121 લોકો જ ટેસ્ટ કરાવવા માટે આગળ આવ્યા હતા. માર્કેટયાર્ડના સૂત્રોએ એમ કહ્યું કે યાર્ડમાં કામ કરતા મજુરો કે અન્ય કોઈપણ સુપર સ્પ્રેડર ન બની જાય તે માટે કોર્પોરેશન સાથે સહયોગ સાધીને કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ યાર્ડમાં કામ કરતા 1000-1000માંથી માંડ 121ના ટેસ્ટ શકય બન્યા હતા. તેમાંથી પણ સ્વૈચ્છાએ ટેસ્ટ કરાવનારની સંખ્યા મામુલી હતી.

અનેકને આગ્રહ કરીને ટેસ્ટ કરાવાયા હતા જયારે અન્ય સંખ્યાબંધ મજુરોએ તો કેમ્પ સ્થળની આસપાસ ફરકવાનું પણ ટાળ્યુ હતું. ચિંતાજનક બાબત તો એ છે કે કોરોના ટેસ્ટ કરાવવા માટે દબાણ કરાતા અર્ધોડઝન જેટલા મજુરો તો રીતસર જાહેરમાં રડવા લાગ્યા હતા એટલે થાકીહારીને દબાણ કરવાનું પડતુ મુકાયુ હતું. 1000-1200 લોકોમાંથી માંડ 121 ટેસ્ટ થયા હતા અને તેમાંથી પાંચ પોઝીટીવ આવતા આઈસોલેટ-કવોરન્ટાઈન કરી દેવાયા હતા. વિજતંત્રમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ટેસ્ટીંગ કેમ્પ વખતે પણ કેટલાક વેપારીઓ ટેસ્ટ કરાવવા તૈયાર થયા હતા.

કોર્પોરેશનના સૂત્રોએ એમ કહ્યું છે કે અનેક સ્થળોએ આ પ્રકારની હાલત સર્જાઈ રહી છે. પોતાનો રીપોર્ટ પોઝીટીવ આવશે તો? તેવી બીકને કારણે અનેક લોકો ટેસ્ટ કરાવતા ગભરાય છે જયારે કેટલાક લોકો કોઈપણ લક્ષણો નથી તો ટેસ્ટ કરાવવાની શું જરૂર? તેવી દલીલ આગળ ધરે છે. સામાકાંઠાના કેટલાંક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે ટેસ્ટીંગ માટે કોર્પોરેશનની ટીમોને ઉતારવામાં આવી હતી. વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી ત્યારે સંખ્યાબંધ મકાનોમાં લોકોએ દરવાજા બંધ કરી દીધા હતા. અનેક કિસ્સામાં તો લોકો ઘરને તાળા મારીને નાસી ગયા હતા. ટેસ્ટ માટે લોકોને સમજાવવામાં પણ તાકે દમ આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજકોટમાં સંક્રમણ વધી ગયું છે. કોરોના પોઝીટીવ હોવા છતાં હકીકતથી બેખબર લોકો સુપર સ્પ્રેડર બનતા હોવાની શંકા વચ્ચે ડોર-ટુ-ડોર સર્વે ટેસ્ટીંગ કરવાનું નકકી થયુ હતું. સરકારી સહીતની કચેરીઓમાં તથા સંસ્થાઓ-ફેકટરી-ઔદ્યોગીક વસાહતોમાં ટેસ્ટ કરવાનું નકકી કરવામાં આવ્યુ હતું. લોકો તૈયાર થતા ન હોવાથી પોલીસને મદદમાં સાથે રાખવામાં આવતી હોવા છતાં લોકો નીતનવી છટકબારી શોધી લ્યે છે.