News Updates
AHMEDABAD

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Spread the love

આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે સરસપુરમાં અલગ અલગ પોળમાં જમાડવામાં આવશે. 10-15 નહીં પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવશે. આ તમામ પોળમાં 20-25 હજાર નહીં પણ સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે. પાંચાવાળ પોળના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીં રૂડીમાનું રસોડું છે. ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડીમાનાં રસોડાથી જ થઈ છે. 90 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલે છે.

એક મહિનાથી રસોઈની સામગ્રી એકઠી કરે છે
સરસપુરમાં આવેલી અલગ અલગ 15થી વધુ પોળમાં ભગવાનના રથનું સ્વાગત કરીને રથયાત્રામાં આવેલ ભક્તોને જમાડવામાં આવે છે. મોસાળમાં જમાડવા માટે રથયાત્રાના અઠવાડિયા અગાઉથી તૈયારી કરી દેવામાં આવે છે. એક મહિના અગાઉથી રસોઈ માટેની સામગ્રી એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનના મોસાળમાં અલગ અલગ પોળમાં મહિલાઓ અને સ્વયંસેવકો દ્વારા અનાજ સાફ કરીને રસોઈની તૈયારી કરવામાં આવે છે.

રથયાત્રાના આગલા દિવસે પણ જમણવાર થાય
રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં અલગ અલગ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં 2થી 5 હજાર લોકો પ્રસાદ મેળવે છે. તમામ લોકોને સ્વયંસેવકો દ્વારા સન્માન સાથે લઈ જઈ જમાડવામાં આવે છે. અત્યારસુધી ક્યારેય જમાવનું ખૂટ્યું નથી.

મોહનથાળ, ફુલવડી અને પુરી-શાકનો પ્રસાદ બનાવીએ છીએ
આંબલીવાળના રાજુભાઈ માળીએ જણાવ્યું હતું કે, મારો જન્મ જ અહીં થયો છે. અહીં આંબલીવાળમાં દરેક લોકો માટે ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે. અમે 8થી 9 હજાર લોકોને જમાડીએ છીએ, જેમાં સાધુ સંતો અને ભક્તોનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી અહીં રસોડુ ધમધમી રહ્યું છે. અહીં ઘણી બધી પોળો આવેલી છે, જેમાં રસોડાનું કાર્ય ખૂબ જ સારી રીતે બધાના સહકારથી ચાલી રહ્યું છે. લગભગ એક મહિનાથી તૈયારીઓ થઈ રહી છે. અનાજ-પાણી બધુ ભેગું કરવું અને છેલ્લા ત્રણ-ચાર દિવસની આ કાર્યએ ગતિ પકડી છે. અહીં મોહનથાળ, ફુલવડી અને પુરી-શાક બનાવવામાં આવી રહ્યા છે.

રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવીએ છીએ
વધુમાં જણાવ્યું હતું કે, આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. જ્યારે ભક્તો આવતા હોય ત્યારે અમારા બધા જ સ્વયંસેવકો ભક્તોને ખૂબ જ આદરપૂર્વક જમવા બોલાવે છે. જેમાં નાત-જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દર વર્ષે ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે.

રૂડીમાના રસોડાને 90 વર્ષ થયા
પાંચાવાળ પોળના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીં રૂડીમાનું રસોડું છે. ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડીમાનાં રસોડાથી જ થઈ છે. 90 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલે છે. જમવામાં પુરી-શાક અને બુંદી આપવામાં આવે છે. અહીં અઢીથી ત્રણ હજાર લોકો જમે છે. સાધુ-સંતો અને ભક્તોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. અહીં ત્રણ દિવસથી રસોડું ચાલ છે અને રસોડામાં સેવા આપવા માટે બહારગામથી પણ લોકો જોડાયા છે.

રથયાત્રાના આગલા દિવસે બ્રહ્મભોજનું આયોજન કરીએ છીએ
વાસણ શેરીના લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે, ભગવાન રણછોડદાસજીનું આ મોસાળ છે. અહીં ત્રણ દિવસ પહેલાંથી આયોજન શરૂ કરાય છે. સૌથી પહેલાં અમાસના દિવસે ભગવાન સ્વસ્થ હોય છે એટલે સાધુ-સંતો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં સમગ્ર દેશમાંથી 1000થી 1500 જેટલા સાધુ-સંતો ભેગા થાય છે, બધાને ધોતી-કુર્તા જેવા વસ્ત્રો આપવામાં આવે છે. એના પછી એકમનાં દિવસે બ્રહ્મભોજનું આયોજન કરવામાં આવે છે. કારણ કે ભગવાન સ્વસ્થ રહે, જ્યારે ભગવાનનો રથ નીકળે ત્યારે 40થી 50 હજાર ભક્તો માટે જમણવારની વ્યવસ્થા થાય છે. જેમાં સાધુ સંતો, સુરક્ષાકર્મી, અખાડામાં જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.

ડાયાબિટીસવાળા લોકો માટે અલગ શાક બને છે
વધુમાં જણાવ્યું હતું કે, જમણવારમાં દાળ-ભાત, પૂરી, બે પ્રકારનું શાક, બુંદી, ફુલવડી બનાવવામાં આવે છે, જો કે, ડાયાબિટીસવાળા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે તેઓ માટે પણ અલગ શાક બનાવવામાં આવે છે. અમારા ગુરૂજીના કહેવાથી જ રથયાત્રા સરસપુરમાં આવી છે અને અહીં મોસાળની સ્થાપના કરવામાં આવી હતી. હકિકતનું મોસાળ આને જ કહેવામાં આવે છે. હું અહીં 32 વર્ષથી જમણવારનું સંચાલન કરૂં છું. મારૂ નામ મહંત લક્ષમણદાસજી મહારાજ છે, વાસણશેરી પોળ અને મંદિરનું નામ રણછોડરાયજીનું મંદિર ભલાભગતની જગ્યા. સૌ કોઈ આ નામથી ઓળખે છે.

40થી 45 વર્ષથી અહીંના સ્વયંસેવકો સેવા આપે છે
લુહાર શેરીના જૈમેશ પંચાલે જણાવ્યું હતું કે, લુહારની પોળમાં છેલ્લા 40થી 45 વર્ષથી અહીંના સ્વયંસેવકો સેવા આપે છે. રથયાત્રામાં જે પણ ભાવી ભક્તો અહીં આવે છે, તેમને અહીં પ્રસાદરૂપમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં 20થી 25 હજાર લોકોના જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે. લુહાર શેરી યુવક મંડળ દ્વારા આ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. પ્રસાદરૂપે જમવામાં પૂરી-શાક અને મોહનથાળ આપવામાં આવે છે. જેમાં 1500 કિલો લોટની પૂરી બને છે. સાથે 1500 કિલો લોટનો મોહનથાળ, 1 હજાર કિલો બટાકાનું શાક બને છે. અહીં જ રહેતા 70થી 80 સ્વયંસેવકો પોતે જ સેવા આપે છે.


Spread the love

Related posts

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates

અમદાવાદમાં વધુ 3 મિલકતની હરાજી:ઓઢવ રિંગ રોડ પર હોટલ તક્ષશિલા હાઉસની 3 મિલકતનો 62.31 લાખનો ટેક્સ બાકી, AMC હવે જાહેર હરાજી કરશે, અપસેટ પ્રાઈઝ કુલ રૂ. 34.50 કરોડ

Team News Updates

ગુજકેટની પરીક્ષા આવતીકાલે રાજ્યભરમાં :હોલ ટિકિટ સાથે આઇડી કાર્ડ ફરજિયાત;સવારના 10થી 4 વાગ્યા સુધી 3 સેશનમાં વિદ્યાર્થીઓની કસોટી

Team News Updates