ઈશ્વરનો પણ એક દસ્તુર છે, નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે

0
312

રાજકોટના સીંગર આસીફ જેરીયાનો પ્રેરક સંદેશ

રાજકોટના જાણીતા સીંગર આસીફ જેરીયાએ કોરોના મહામારીના આ સમયમાં રાજકોટવાસીઓને કોરોનાના ભયથી મુક્ત બની જરૂરી સાવચેતી રાખવાનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું છે કે, કોરોના મહામારી આપણાં વચ્ચે ફેલાયેલી છે. ઈશ્વરનો પણ એક દસ્તુર છે કે, થોડો નબળો સમય, થોડો એનાથી પણ નબળો સમય અને ત્યાર પછી સારો સમય અને એનાથી પણ વધુ સારો સમય આવે જ છે.


આજે આ થોડો નબળો સમય આવ્યો છે એની સામે આપણે લડવાનું છે, ફાઈટ આપવાની છે, સાથો – સાથ સાવચેતી પણ રાખવાની છે. આ સમય આજીવન નથી રહેવાનો કે લાંબા સમય સુધી પણ નથી રહેવાનો. જેમ આપણે વધુ સાવચેતી રાખીશુ તો આ સમય ઝડપથી આપણાં વચ્ચેથી પસાર થઈ જશે.


ખાસ કરીને દરેક નાગરિકોને મારી વિનંતી છે કે, આ મહામારી – બીમારીથી ડરવાની જરૂર નથી. માત્ર સાવચેતી જ રાખવાની છે. આ સમય પણ નીકળી જશે, અને ફરી પાછા આપણાં ધંધા – રોજગાર – પ્રસંગો – મેળાવડાઓ જે બધા માટે આપણે કોઈ પણ જાતના ભય વિના બહાર નીકળતા હતા એ સમય બહું જલ્દી પાછો આવશે. તમે તમારું અને તમારી આસપાસના લોકોનું ધ્યાન રાખો અને સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરો એટલે કોરોના સામે આપણે અવશ્ય વિજય મેળવશુ.


રાજકોટવાસીઓ હંમેશા તેમની સામે આવેલા પડકારોને ઝીલીને તેને મ્હાત આપવાવાળા લોકો છે, અને તેથી જ મને વિશ્વાસ છે, બહું જલદી આપણે આ કોરોનારૂપી મહામારીના પડકારને પણ મ્હાત આપીશું, હારશે કોરોના, જીતશે રાજકોટ.