બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર પણ શરૂ થઈ ગયો છે. થરાદ તાલુકાના આજાવાડામાં ગતરાત્રિ દરમિયાન વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ પર આકરા આક્ષેપો કરતાં કહ્યું હતું કે, બે નંબરનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તા આપવા પડે, જો હપ્તા ન આપો તો કેસ થાય. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લખનીય છે કે, ગતરોજ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજીત એક કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા ગામડાઓમાં બેઠકો અને સભાઓ સંબોધવાની શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાદના આજાવાડા ગામે સભામાં જાહેર મંચ પરથી પોલીસ અને બનાસ ડેરી પર આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે પોલીસને આડેહાથ લઈ હપ્તાખોરીનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, ભાજપના મળતીયા અહીંયા લાગુ થતાં હશે. કોઈપણ બે નંબરનો ધંધો કરવો હોય એણે પોલીસની સાથે મળી પોલીસને હપ્તા આપી ધંધો કરવાનો હોય છે. એમાં જેણે હપ્તો ના આપ્યો હોય એની પર કેસ થાય. કેસ થાય એટલે સમજી લેવાનું એણે હપ્તો લેટ આપ્યો હશે. વઘુમાં તેમણે કહ્યું હતું કે, આપણે કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી.
બનાસ ડેરી પર નિશાન સાધતા કહ્યું કે, હવે તો બનાસ ડેરીમાં ય એવું થઇ ગયું કે તમારા પગારના પૈસા આવે એ બનાસ બેન્કમાં જ જમા થાય એટલે તમારે ખાતું બનાસ બેન્કમાં જ રાખવાનું, તમારે જે બેન્કમાં રાખવું હોય ત્યાં નહીં. દૂધ અમે ભરાઈએ, 4 વાગ્યે અમે ઉઠીયે, છોકરાને 100 ગ્રામ દૂધ આપવું હોય તોય ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલે દૂધ ભરાઈએ, તોય અમારા પૈસા ક્યાં મુકવા એ તમારે નક્કી કરવાનું? એટલે બધું અમારા કીધે થાય તમારા કીધે કઈ નઈ, તમારો કોઈ અધિકાર નથી એવું છે.
ગતરોજ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજીત એક કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહે કહ્યું હતું કે, ઘણા બધા પોલીસના લોકો વાવ થરાદમાં લોકોને દબાવવાનું કામ કરી રહ્યા છે. એમને કહેવા માગુ છુ કે, એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો નહીં તો આવનારા સમયમાં ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા પણ ઉતરાવી દઈશું.