- ગુરુવારે મુખ્યમંત્રી-ગુજરાત બોર્ડના સ્કૂલ સંચાલકોની મીટિંગમાં નિર્ણય લેવાયો
- શિક્ષણમંત્રી સાથે આજે વાલીમંડળની બેઠક, 100 ટકા ફી માફીના ઠરાવના અમલની માગ
છેલ્લા ઘણાં સમયથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. હજુ પણ આ વિવાદ હાઇકોર્ટમાં છે ત્યારે ગુરુવારે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલોના સંચાલક મુખ્યમંત્રીના નિર્ણય સાથે સંમત થયા હતા. જો કે, આ ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો ચાલુ થયા પછી પણ ચાલુ રાખવી તે મામલો આજની મીટિંગમાં પણ અનિર્ણિત રહ્યો છે. જો કે, સરકારનો પક્ષ એવો હતો કે, એક તબક્કે સ્કૂલો ચાલુ થાય પછી પણ આ માફી આપવી જોઈએ.
બીજી તરફ શુક્રવારે 12 વાગ્યાની આસપાસ શિક્ષણમંત્રી સાથે ચાર જેટલા સભ્યોની મીટિંગ યોજાશે. ઓલ ગુજરાત વાલી મંડળે જણાવ્યું છે કે, વાલીઓ સરકારના જ 100 ટકા ફી માફીના ઠરાવનો અમલ કરાવવાની માંગ કરશે.
CBSE સહિતનાં અન્ય બોર્ડની સ્કૂલોની હજુ પણ સંમતિ નથી
ફી માફી મુદ્દે ગુજરાત સિવાયના અન્ય બોર્ડની સ્કૂલો વિરોધ કરી શકે છે. અન્ય બોર્ડના સંચાલકો 25 ટકા ફી માટે તૈયાર નથી. જેથી સરકારની ફી માફીની જાહેરાત બાદ તેઓ કોર્ટમાં જઇ શકે છે. કારણ કે સ્કૂલ સંચાલકો માની રહ્યાં છે કે 25 ટકા ફી માફીને કારણે તેમણે મોટી રકમની ખોટ સહન કરવાનો વારો આવી શકે છે.
ફી મામલે સ્કૂલ સંગઠનોના પ્રમુખ રાતોરાત બદલાયાની ચર્ચા
ફી માફીના મુદ્દે અમદાવાદની જાણીતી સ્કૂલોના સંગઠન એઓપીએસના પ્રેસિડેન્ટ બદલાયા હોવાની ચર્ચા સ્કૂલ સંચાલકોમાં જોવા મળી હતી. સંગઠનના નવા પ્રમુખ તરીકે મનન ચોક્સીની નિમણૂક કરાઇ છે.