68 વર્ષના વૃદ્ધને 6 તકલીફ હતી, સારવાર દરમિયાન હૃદય બંધ થયું, સિવિલના તબીબોએ મોતના મુખમાંથી બહાર કાઢ્યા

0
128
  • સિવિલમાં દાખલ થયા ત્યાં સુધીમાં ફેફસાં 90 ટકા ડેમેજ: 11 દિવસ વેન્ટિલેટર પર રહ્યા

કોરોના સૌથી વધુ એ લોકો માટે જોખમી છે જેની ઉંમર વધારે હોય અથવા કોઇ ગંભીર રોગથી પીડાતા હોય પણ ઉપલેટા તાલુકાના એક વૃદ્ધ ખેડૂતને એક બે નહીં પણ 6 રિસ્ક ફેક્ટર હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ 24 દિવસ સુધી તેમની સારવાર કરી મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે.

8મા દિવસે હોસ્પિટલમાં દાખલ થયા હતા
ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામે રહેતા રમેશભાઈ બાવનજીભાઈ માકડિયા નામના 68 વર્ષના વૃદ્ધને 28 ઓગસ્ટે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જો કે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા ત્યાં સુધીમાં આખા શરીરમાં વાઇરસની અસર હતી અને અંદાજ મુજબ ચેપ લાગ્યાના 8મા દિવસે એટલે ક્રિટિકલ થઈને દાખલ થયા હતા અને ત્રીજા દિવસે હૃદય બંધ પડી ગયું હતું. વધુ ઉંમર, મોડા દાખલ, હૃદય બંધ, ધૂમ્રપાનને કારણે ફેફસાં ડેમેજ, પ્રોસ્ટેટની ગાંઠ તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્શન એમ 6 રિસ્ક ફેક્ટર હતા.

11 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા
બીજી તરફ કોરોનાને કારણે ફેફસાં પણ 90 ટકા સુધી ડેમેજ થઈ ગયા હતા. આ સ્થિતિમાં દર્દીનું બચવું ખૂબ મુશ્કેલ હોય છે, પણ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો.આરતી ત્રિવેદી, ડો. રાહુલ ગંભીર, ડો. મહેશ રાઠોડ તેમજ ડો. નિકુંજ મારૂ સહિતની ટીમે સતત 24 દિવસ સુધી અલગ અલગ સારવાર આપી હતી. બે રેમડેસિવિર ઈન્જેક્શન, એક ટોસિલિઝુમેબ અપાયા, 11 દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને આખરે રમેશભાઈ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા હતા. રમેશભાઈના પરિવારને તબીબોએ અગાઉ જ જાણ કરી દીધી હતી કે આ કેસ ખૂબ જ અઘરો છે તેથી તેઓ પૂરી ક્ષમતાથી પ્રયત્ન કરી રહ્યા છે.

મારી નજર સામે 21 લોકોનાં મોત થયા: રમેશભાઈ
રમેશભાઈ માકડિયા જણાવે છે કે, તેઓને દાખલ કરાયા ત્યારથી શરૂ કરી ડિસ્ચાર્જ કર્યા ત્યાં સુધીમાં તેમની સામે 21 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા પણ પોતે મન મક્કમ કરીને બેઠા હતા કે કોઇપણ કાળે આ બીમારી સામે જીતવું છે. આ મજબૂત મનોબળને કારણે જ તેઓએ કોરોનાને હરાવ્યો હોવાનું ગણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here