News Updates
GUJARAT

આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓ વચ્ચે અણબનાવ, છેતરપિંડી જેવી સમસ્યાઓના સમાધાનનું સરનામું એટલે ‘મહિલા હેલ્પ ડેસ્ક’

Spread the love

◆ અમદાવાદ શહેરના તમામ પોલીસ મથકો ખાતે કાર્યરત ‘મહિલા હેલ્પ ડેસ્ક’ મહિલાઓ માટે બની રહ્યું છે નવજીવનનું નિમિત્ત

કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે કાઉન્સેલિંગ દ્વારા મહિલાઓને મદદરૂપ થવાથી આત્મસંતોષ મળે છે: ACP શ્રી હિમાલા જોશી

◆ ત્રણ કિસ્સાઓના આધારે જાણીએ મહિલા હેલ્પ ડેસ્કની સમાજમાં ભૂમિકા અને મહત્ત્વ

મહિલાઓને દૈનિક ધોરણે અનેક સમસ્યાઓ વેઠવી પડે છે. વ્યક્તિગત અને પારિવારિક પ્રશ્નો ઘણીવાર નાગચૂડની જેમ ઘેરી વળતા માર્ગદર્શનના અભાવે નાસીપાસ થઈને મહિલાઓ ન કરવાનું કરી બેસે છે. આવા સંજોગોમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ નવજીવનનું નિમિત્ત બને છે. તાજેતરમાં હેલ્પ ડેસ્કના માધ્યમથી મહિલાઓના જીવન પરિવર્તનના કેટલાક કિસ્સા જાણીએ

કિસ્સો – 1
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવા માટે રિવરફ્રન્ટ પહોંચી હતી, જેને સમજાવટ બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આવેલા મહિલા હેલ્પ ડેસ્ક ખાતે લાવી તેની સમસ્યાઓ વિશે પરામર્શન કરી તેના વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમજાવટના અંતે યુવતી હસીખુશીથી પોતાના ઘરે પરત ફરી હતી. આમ, આ યુવતીને મોતના મુખમાં જતી અટકાવી હેલ્પ ડેસ્કની ટીમે તેને નવું જીવન આપ્યું.

કિસ્સો – 2
દરિયાપુર વિસ્તારના આંબેડકર વાસમાં રહેતી એક પ્રૌઢ મહિલાએ દરિયાપુર પોલીસ મથકમાં આવેલા હેલ્પ ડેસ્ક પર પોતાની વ્યથા વર્ણવતા રજૂઆત કરી હતી કે, તેમના પતિને કેન્સરની બીમારી છે અને તેમની યુવાન પુત્રી કહ્યામાં નથી. અનેક વખત રોકવા છતાં તે કોઈ યુવાન સાથે મોબાઈલ ફોન પર વાત કરે છે અને ઘરની બહાર વધુ સમય વિતાવે છે જેના કારણે ઘરકામ સહિત સામાજિક અને વ્યાવહારિક કાર્યોનો સંપૂર્ણ ભાર પ્રૌઢા પર રહે છે. મહિલા હેલ્પ ડેસ્ક દ્વારા સમજાવટના સઘન પ્રયાસોથી આ યુવતી ઘરે જરૂરી મદદ કરવા માટે સહમત થઈ અને આજે પરિવારમાં શાંતિ સ્થપાઈ છે.

કિસ્સો – 3
આંબાવાડી વિસ્તારમાં રહેતા એક અરજદાર મહિલાએ પાસપોર્ટ કઢાવી આપવાના નામે બે આરોપીઓ દ્વારા મહેનતથી કમાયેલા રૂપિયા ચાઉં કરી છેતરપિંડી કરી હોવાની રજૂઆત યુનિવર્સિટી પોલીસ મથકમાં આવેલા મહિલા હેલ્પ ડેસ્કમાં કરી હતી. જેના આધારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ કિસ્સામાં મહિલાને ન્યાય અપાવવામાં હેલ્પ ડેસ્કની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે.

ઉપરોક્ત ત્રણેય કિસ્સા જોતાં એક વાત ચોક્કસ સાબિત થાય છે કે, મહિલાઓના જીવનમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન અને માર્ગદર્શન ‘મહિલા હેલ્પ ડેસ્ક’ના માધ્યમથી મળી રહ્યું છે. દરરોજ આવી જ રીતે અનેક મહિલાઓને જીવન જીવવાની નવી દિશા મળવાથી તેઓ પણ ગૃહ વિભાગ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા આનંદ અનુભવતા હોય છે.

મહિલા પોલીસ મથકના ACP શ્રી હિમાલા જોશી જણાવે છે કે, પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે મહિલાઓના કાઉન્સેલિંગ કરી તેમના જીવનમાં શાંતિ અને સરળતા સ્થાપિત કરવા મદદરૂપ બને છે. આ કામગીરી થકી આત્મસંતોષ મળતો હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.


Spread the love

Related posts

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates

અબુધાબીમાં BAPSનું શિખરબદ્ધ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરાયો ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’, હજારો ભક્તોએ લીધો ભાગ

Team News Updates

ઉજ્જૈન થી સોમનાથ ત્રણ કાવડધારીઓ 800 કિ.મીનું અંતર કાપી 36 દિવસ બાદ આજે વેરાવળ પહોંચ્યા

Team News Updates