શું તમને કાલે તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો? કેન્દ્ર સરકારે કાલે બપોરે 1.35 વાગ્યે ઘણા સ્માર્ટફોન યુઝર્સને મેસેજ મોકલીને ટેસ્ટિંગ કર્યું હતું. આ ટેસ્ટિંગ પૂર અને ભૂકંપ જેવી ઇમર્જન્સી દરમિયાન લોકોને એલર્ટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ મેસેજ કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા દેશભરમાં મોકલવામાં આવ્યો હતો. કોમન એલર્ટિંગ પ્રોટોકોલ હેઠળ ગત મહિને 20 જુલાઈએ ઘણા મોબાઈલ યુઝર્સને પણ આવો જ મેસેજ મોકલવામાં આવ્યો હતો.
સંદેશમાં શું છે?
સ્માર્ટફોન યુઝર્સના મોબાઈલ પર ‘બીપ’ના અવાજ સાથે ‘ઇમર્જન્સી એલર્ટઃ સીવિયર’નો ફ્લેશ મેસેજ આવ્યો હતો. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તમારે તેના પર ધ્યાન આપવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
‘આ મેસેજ ટેસ્ટ એનડીએમએ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પેન-ઈન્ડિયા ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને ઈમર્જન્સી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.’
એલર્ટ સિસ્ટમ 6 થી 8 મહિનામાં આવી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘સરકાર આગામી 6થી 8 મહિનામાં એલર્ટ સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર આગામી મહિનાઓમાં ટીવી, રેડિયો અને રેલ્વે સ્ટેશન પર આવા એલર્ટ મેસેજ મોકલવાનું ટેસ્ટિંગ પણ કરી શકે છે.
સરકાર NDMA સાથે કામ કરી રહી છે
ટેલિકોમ્યુનિકેશન વિભાગની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમે કહ્યું કે મોબાઈલ ઓપરેટર્સ અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમની ઈમર્જન્સી વોર્નિંગ ક્ષમતાને ચકાસવા માટે, આવા ટેસ્ટિંગ સમયાંતરે વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે. સરકાર આપત્તિના સમયે સારી તૈયારી માટે NDMA સાથે કામ કરી રહી છે.
મોબાઈલમાં ઇમર્જન્સી એલર્ટ કેવી રીતે ઓન કરવું?
સામાન્ય રીતે આ એલર્ટ બાય ડિફોલ્ટ મોબાઈલમાં ઓન હોય છે. જો કે, જો તમારા ફોનમાં આવા એલર્ટ મેસેજ નથી આવી રહ્યા તો તેનો અર્થ એ છે કે આ એલર્ટ સેટિંગ તમારા ફોનમાં ઓન નથી. તમે તેને મેન્યુઅલી પણ ચાલુ અથવા બંધ કરી શકો છો.