રાજકોટ-અમદાવાદ હાઈવે પર 31 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ અપૂરતી સુવિધા હોવાનો વિવાદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ એવિએશન કમિટીના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી. વૈષ્ણવે નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ એરપોર્ટ શરૂ કરવામાં થોડી ઉતાવળ જરૂર થઈ ગઈ છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંપૂર્ણ સુવિધા સાથે શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડતા ન સર્જાઈ હોત, પરંતુ સુવિધામાં રહેલા અભાવ અંગે એરપોર્ટ ડિરેક્ટર અને એવિએશન કમિટીના વડાને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે માગ કરી છે.
પાણીની સુવિધા પણ નથી એવી ફરિયાદો મળી રહી છે
રાજકોટના રહેવાસી અને જાણીતા લેખક જય વસાવડાએ બે દિવસ પૂર્વે રાજકોટના નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ એરપોર્ટ ખાતેથી એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલું રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યું છે. જોકે અહીં આવતાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તાત્કાલિક ઊભી કરેલી કોવિડ હોસ્પિટલ જેવું લાગી રહ્યું છે. ટોઇલેટમાં પાણીની સુવિધા પણ નથી એવી ફરિયાદો મળી રહી છે. ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોની સુવિધામાં ખામી રહી હોવાનો તેમજ અમદાવાદ વડોદરા કે સુરત કોઈ જગ્યા પર 31 કિલોમીટર દૂર એરપોર્ટ ન હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો..
હાલ થોડી અગવડતા મુસાફરોને જરૂર પડે છે
જ્યારે આ અંગે રાજકોટ એવિએશન કમિટીના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી. વૈષ્ણવે નિવેદન આપતાં જણાવ્યું હતું કે રાજકોટથી 31 કિલોમીટર દૂર 2030 એકર જેટલી વિશાળ જગ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. કુલ ચાર ફેઝમાં કામ થવાનું છે. પ્રથમ ફેઝ બાદ બીજા, ત્રીજા અને ચોથા ફેઝનું કામ કરવામાં આવશે. હાલમાં થોડી અગવડતા મુસાફરોને જરૂર પડી રહી છે. આ બાબતે સુવિધામાં રહેલા અભાવ અંગે એરપોર્ટ ડિરેક્ટર અને એવિએશન કમિટીના વડાને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે માગ કરી છે. આ એરપોર્ટ સંપૂર્ણ બની ગયા બાદ એનો સમાવેશ ટોપ 10માં થશે એવી અમને ખાતરી છે.
આ અંગે સરકારને ધ્યાન દોરી રજૂઆત કરી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટનું લોકાર્પણ 27 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ અને એ લગભગ એપ્રિલ મહિનામાં થવાની છે, માટે કદાચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો સારું હતું. આ એરપોર્ટ શરૂ કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ છે. રાજકોટથી અમદાવાદ સિક્સલેન હાઇવેમાં રાજકોટથી કુવાડવા અને હીરાસર સુધીનું કામ જલદીથી પૂર્ણ કરી દેવું જોઈએ એવી અમારી માગ છે. આ અંગે સરકારને ધ્યાન દોરી રજૂઆત કરવામાં આવી છે.
જવાબદાર અધિકારીઓને કચાશ દૂર કરવા સૂચના આપી
આ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થોડી અવ્યવસ્થા થઈ હોવાની મને જાણ થઈ હતી. આ અંગે મેં એરપોર્ટ ઓથોરિટી સાથે અને જવાબદાર અધિકારીઓને સુવિધામાં રહેલી કચાશ દૂર કરવા સૂચના આપી છે. થોડા સમય બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય ત્યારે કોઈ કચાશ નહીં રહે એવી હું ખાતરી આપું છું. આ સાથે સિક્સલેન હાઇવે કામગીરી બાકી છે, એમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તેમજ રોડ-રસ્તાની સુવિધા સમયસર સારી મળી રહે એ માટે સરકારને ભલામણ કરીશ.