19મી એશિયન ગેમ્સમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ચીનના હાંગઝોઉ શહેરમાં ચાલી રહેલી આ ગેમ્સમાં મંગળવારે ભારતીય પુરુષ વોલીબોલ ટીમે લીગ મેચમાં કંબોડિયાને 3-0થી હરાવ્યું હતું, જ્યારે ગ્રુપ-A ફૂટબોલ મેચમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમને ચીન સામે 5-1થી હાર મળી હતી.
ભારતીય પુરુષ વોલીબોલ ટીમની બીજી લીગ મેચ બુધવારે દક્ષિણ કોરિયા સામે થશે જ્યારે ફૂટબોલ ટીમ ગુરુવારે બાંગ્લાદેશ સામે ટકરાશે.
વોલીબોલ: અમિતે સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા
ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગ્રુપ Cની ત્રીજી મેચમાં એકતરફી જીત હાંસલ કરી હતી. ટીમે પ્રથમ ગેમમાં કંબોડિયાને 25-14ના માર્જીનથી હરાવ્યું હતું. ટીમે પ્રથમ ગેમ 22 મિનિટમાં જીતી લીધી હતી. એ જ રીતે બીજી ગેમ 19 મિનિટમાં 25-13 અને ત્રીજી ગેમ 19 મિનિટમાં 25-19થી જીતી હતી.
જર્સી નંબર-11 અશ્વરાજે ભારતીય ટીમ માટે સૌથી વધુ પોઈન્ટ બનાવ્યા. તેણે 17 પોઈન્ટ બનાવ્યા, જ્યારે કંબોડિયાના જર્સી નંબર-15 મોર્ગને સૌથી વધુ 9 પોઈન્ટ બનાવ્યા.
ફૂટબોલઃ ટીમ ઈન્ડિયાએ પહેલા હાફમાં સારી લડત આપી, બીજા હાફમાં 4 ગોલ જવા દીધા
ભારતીય ફૂટબોલ ટીમને મેન્સ ફૂટબોલના ગ્રુપ Aની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને યજમાન ચીન સામે 5-1ના માર્જીનથી હરાવ્યું હતું. હાલમાં, ભારત વિશ્વ રેન્કિંગમાં 101મા ક્રમે છે, જ્યારે ચીન 81મા ક્રમે છે.
પરંતુ ભારતીય ટીમ બીજા હાફમાં પોતાની ગતિ જાળવી શકી ન હતી અને યજમાન ટીમે એક પછી એક વધુ ચાર ગોલ કર્યા હતા.
રાહુલ કેપીએ 9 વર્ષ બાદ એશિયાડમાં ગોલ કર્યો
પ્રથમ ફૂટબોલ લીગ મેચમાં બંને ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ગાઓ તાઈએ 17મી મિનિટે યજમાન ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી, જોકે, ભારતીય સ્ટાર રાહુલ કેપીએ પ્રથમ હાફના ઈન્જરી ટાઈમમાં ગોલ કરીને સ્કોર બરાબરી કરી હતી. અહીં હાફ ટાઈમ સુધી સ્કોર 1-1થી બરાબર હતો.
રાહુલ કેપીએ 9 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ કર્યો હતો, જોકે બીજા હાફમાં ચીનના ડાઈ વેઈજુને 51માં, તાઓ કિઆંગલોંગે 72માં અને 75માં અને ફેંગ હાઓએ મેચના ઈન્જરી ટાઈમમાં ગોલ કર્યા હતા.