સુરતમાં 20 વર્ષીય યુવકે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું પગલું ભરતા પહેલાં યુવકે પોતાની પ્રેમિકા સાથે વાત કરી હતી અને યુવકે તેની જોડે વાતચીત કર્યા બાદ આ પગલું ભર્યું હોવાની આશંકા છે. આ ઘટના બાદ અલથાણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને યુવકનો મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
20 દિવસ પહેલાં જ રોજગારી માટે આવ્યો હતો
મૂળ રાજસ્થાનનો 20 વર્ષીય મોહન રતન ભગોલા સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતો હતો. 20 દિવસ પહેલાં જ રાજસ્થાનથી સુરત તે રોજગારી માટે આવ્યો હતો. અહીં તે ભીમરાડ વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પાસે નવનિર્મિત બિલ્ડિંગમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. રોજગારી માટે તે એકલો જ સુરત આવ્યો હતો, તેનો પરિવાર વતનમાં જ રહે છે.
બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો
સુરતની નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળે મોહન ટાઈલ્સનું કામ કરી રહ્યો હતો. સાઈટ પર કામ કરતો હતો ત્યારે એકાએક તેણે છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું. સાથી કર્મચારીઓને જાણ થતાં તુરંત જ તેની પાસે પહોંચ્યા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સાથી કર્મચારીઓ મુજબ યુવક છેલ્લે પોતાની પ્રેમિકા જોડે ફોનમાં વાત કરતો નજરે પડ્યો હતો. આ કારણોસર હાલ પ્રેમિકાના કારણે તેણે આ આપઘાતનું પગલું ભર્યું હોય એવી શંકાઓ સેવાઈ રહી છે. પરિવારને દીકરાનાં આપઘાતની જાણ થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, આ ઘટના અંગે હાલ અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે સંતાનની માતાએ પણ આપઘાત કર્યો
સચિન GIDC ખાતે જય અંબે નગર સોસાયટીમાં રહેતી 27 વર્ષીય જ્યોતિ અરવિંદ શર્માએ પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૂળ ઉત્તરપ્રદેશની વતની જ્યોતિની માતાની તબિયત ખરાબ થતાં તેણીને માતાને મળવા પિયર જવું હતું પરંતુ, પતિએ તેણીને પિયરે જવાની ના પાડતાં તેણીને માઠું લાગી આવ્યું અને જીવનનો અંત આણ્યો હતો. મૃતક જ્યોતિને સંતાનમાં બે પુત્રી છે.