ક્રિકેટ વર્લ્ડ કપને પ્રાયોજીત કરનાર કંપનીઓના શેરોમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે વર્લ્ડ કપની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં 8 ટકાથી વધુનો વધારો થયો છે. ક્રિકેટ વિશ્વ કપને પ્રાયોજીત કરનાર કંપનીઓના વેલ્યુએશનમાં રૂ. 7100 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો છે. જાણો આ વિશે.
ક્રિકેટ જગતના મહાકુંભ ગણાતા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના શેરની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપ જ્યારથી શરૂ થયો છે ત્યારથી આજદીન સુધીમાં ઝોમેટોના શેરમાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજે બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન, ઝોમેટો કંપનીના શેર પણ 52 સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. નિષ્ણાતોના મતે ઝોમેટોના શેરના ભાવમાં હજુ પણ વધારો આવી શકે છે. આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ 8 ટકાનો વધારો થઈ શકે છે. ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, ફૂડ ડિલિવરીની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને તે મેચોમાં જે મેચમાં ભારતીય ટીમની અન્ય કોઈ પણ દેશ સાથેની મેચ હોય તેવા દિવસોમાં ફૂડ ડિલિવરીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Zomatoના શેર હજુ પણ વધશે
આજે બુધવારે Zomatoના શેરમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાંથી મળતી માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે કંપનીના શેર 3.15 મિનિટમાં 2.50 ટકાના વધારા સાથે રૂ. 108.75 પર ટ્રેડ કરી રહ્યા હતો. જોકે, કંપનીના શેર રૂ. 106.90 પર નજીવા વધારા સાથે ખુલ્યા હતા અને એક દિવસ અગાઉ કંપનીના શેર રૂ. 106.10 પર બંધ થયા હતા. શેર બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આવનારા સમયમાં Zomato કંપનીના શેર રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.
52 સપ્તાહની ટોચે પહોચ્યો Zomatoનો શેર
શેરબજારમાં હાલના ઉછાળા સાથે ઝોમોટોના શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે ઝોમેટો કંપનીના શેરની કિંમત માત્ર 56 મિનિટમાં જ એટલે કે સવારે 10.11 વાગ્યે રૂ. 109.05 પર આવી હતો. જે 52 સપ્તાહની ઊંચી સપાટી છે. જોકે, ઝોમેટો કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી નીચી સપાટી 44.35 રૂપિયા નોંધાઈ હતી. જે 25 જાન્યુઆરીએ જોવા મળી હતી. 25 જાન્યુઆરીથી લઈને આજદીન સુધીમાં કંપનીના શેરોએ રોકાણકારોને 146 ટકા વળતર આપ્યું છે.
ઝોમેટો કંપનીએ રૂ.7100 કરોડથી વધુનો કર્યો નફો
જ્યારથી ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચની શરૂઆત થઈછે ત્યારથી કંપનીના વેલ્યુએશનમાં ભારે વધારો નોંધાયો છે. ગત 5 ઓક્ટોબ થી લઈને આજે 11 ઓક્ટોબર વચ્ચેના 5 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેના પગલે, કંપનીના વેલ્યુએશનમાં પણ રૂ. 7,142 કરોડનો વધારો થયો છે. જ્યારે 4 ઓક્ટોબરે બજાર બંધ થયું ત્યારે કંપનીના શેર 100 રૂપિયાના સ્તરે પહોચ્યા હતા. આ સમયે કંપનીનું માર્કેટ કેપ 86,689.79 કરોડ રૂપિયા હતું. આજે જ્યારે કંપનીના શેર 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા ત્યારે કંપનીનું માર્કેટ કેપ પણ વધીને રૂ. 93,831.48 કરોડ પર આવી ગયું છે. શેર બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મત અનુસાર, આગામી થોડા દિવસોમાં ઝોમેટો કંપનીનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડને પાર કરી શકે છે.