રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનેલી જીજાબાઈ ટાઉનશીપની કુલ 14 દુકાનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજી દ્વારા મનપાને 3.08 કરોડની આવક થઈ છે. આ પૈકી એક દુકાનની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ સામે તેના સૌથી વધુ 33.60 લાખ મળ્યા હતા. હવે આગામી 1 નવેમ્બરે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે.
એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ
મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવેલા જીજાબાઈ ટાઉનશીપની 14 દુકાનોની હરાજી આજરોજ કરવામાં આવી હતી. જેમાં તમામ દુકાનોનું હરાજી દરમિયાન વેચાણ થયું છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ 3.08 કરોડની આવક થઈ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કિંમત 33.60 લાખ મળી છે. તેની અપસેટ પ્રાઈઝ 11.70 લાખ રાખવામાં આવી હતી.
જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો
ઉલ્લેખનીય છે કે, જાહેર હરાજીમાં 72 અરજદારોએ ભાગ લીધો હતો અને વિવિધ દુકાનોની બોલી લગાવી હતી. જેના દ્વારા તમામ દુકાનો કુલ 3.08 કરોડમાં વહેચાઈ હતી. જેમાં એક દુકાનનું લોકેશન અરજદારોને ખૂબ સારું લાગવાને કારણે તેના સૌથી વધુ 33.60 લાખ રૂપિયા ઉપજ્યા હતા. બાકીની મોટા ભાગની દુકાનોમાં પણ અપસેટ પ્રાઈઝ કરતા વધુ કિંમત મળી હતી. હવે આગામી તારીખ 1લી નવેમ્બર 2023ને બુધવારે શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરાજી કરવામાં આવનાર છે. જેમાંથી પણ સારી આવક થવાની શક્યતા છે.