સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા રૂ.78 લાખના ખર્ચે રમત-ગમતના નવા સાધનોની ખરીદી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તે માટે આ સાધનોની ખરીદી કરવામાં આવી છે. જોકે નવા ખરીદાયેલા સાધનોનો વિદ્યાર્થી ખેલાડીઓ સદુપયોગ કરે તે જરૂરી છે, કારણ કે આ અગાઉ 10 વર્ષ પહેલા શારીરિક શિક્ષણ નિયામક દ્વારા 89 લાખના ખર્ચે ખરીદવામાં આવેલી જીમ્નાસ્ટીક મેટ હજુ ધૂળ ખાય છે.
78 લાખના રમત ગમતના સાધનોની ખરીદી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક મિનાક્ષી પટેલે જણાવ્યું હતું કે , RUSA અંતર્ગત મળતી ગ્રાન્ટમાંથી રૂ.78 લાખના રમત ગમતના સાધનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન એડજસ્ટેબલ પોલ, વેઇટલિફ્ટિંગ પ્લેટ, ઈલેક્ટ્રોનિક વેઈટ મશીન, લોન ટેનિસ અને રેસલિંગ મેટ, બાસ્કેટબોલ અને વોલીબોલ પોલ સહિતના સાધનો ખરીદવામાં આવ્યા છે. રૂસા દ્વારા મળતી ગ્રાન્ટનો સદુપયોગ કરી રમત ગમતના સાધનોની ખરીદી કરવામાં આવી છે.
બાસ્કેટબોલમાં સ્થાયી પોલી કાપી નાખ્યા
આ દરમિયાન શારીરિક શિક્ષણ નિયામકને એક જ કંપનીના સાધનો ખરીદવામાં આવ્યા અંગેની ફરિયાદ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે સરકાર માન્ય GEMની મદદથી જ તમામ સાધનોની ખરીદી કરવામાં આવી છે. તેમાં એક જ કંપનીના સાધનો છે તેવું નથી. આ ઉપરાંત બાસ્કેટબોલમાં સ્થાયી પોલ કાપી નાખવામાં આવ્યા તે બાબતે તેમણે કહ્યું કે, જૂના પોલ ખરાબ થઈ ગયા હોવાથી તે કાપી નાખ્યા અને નવા એડજેસ્ટેબલ પોલ નાખ્યા.
સાધનો સદુપયોગ વિના ધૂળ ન થાય તે જરૂરી
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ શારીરિક શિક્ષણ નિયામક જતિન સોની દ્વારા 89 લાખના ખર્ચે જીમ્નેસ્ટીક મેટ સહિતના સાધનોની ખરીદી કરવામાં આવી હતી. તે વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીમનેસ્ટીકના કોઈ ખેલાડી ન હતા અને આ રમત પણ રમાતી ન હતી તેમ છતાં જીમનાસ્ટિક મેટની ખરીદી થતાં તે વાપર્યા વિનાની પડી રહ્યા છે. આજે પણ આ મેટ ખરાબ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. જેથી હાલના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા જે રીતે 78 લાખના સાધનોની ખરીદી કરવામાં આવી છે તે સાધનો સદુપયોગ વિના ધૂળ ન થાય તે જરૂરી છે.
10 વર્ષ પહેલા ખરીદેલા સાધનો ધૂળ ખાય છે
પૂર્વ શારીરિક શિક્ષણ નિયામક જતીન સોની દ્વારા જીમનેસ્ટીકની મેટની ખરીદી કરવામાં આવી હતી. 89 લાખના ખર્ચે ખરીદી થઈ હતી, પરંતુ તે વખતે જીમનેસ્ટીકની ગેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં રમાતી જ ન હતી. જેથી આ મેટનો ઉપયોગ ન થતા આ સાધનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. લાખોના ખર્ચે રમત-ગમતના સાધનોની ખરીદી તો કરવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા તેનો સદુપયોગ થાય અને આ સાધનોની ખરીદી પાછળનો ખર્ચ એળે ન જાય તે જરૂરી છે.
ખેલકૂદના મેદાન 12 પણ કોચ 4 જ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ બાસ્કેટ બોલ, બેડમિન્ટન, જીમ અને સ્વિમિંગના કોચ છે. આ સિવાય 9 રમત એવી છે કે જેના મેદાન છે પણ કોચ નથી. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનુ મેદાન, એથલેટિક્સ, ક્રિકેટ, શૂટિંગ રેન્જ, વોલીબોલ, કબડ્ડી, ખો – ખો, હેન્ડબોલ, ફૂટબોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેબલ ટેનિસના કોચ ન હોવાથી હાલ નવા બે ટેબલની થયેલી ખરીદીનો ઉપયોગ થાય તે જરૂરી છે. આ ઉપરાંત યોગ કોચ હોય તો યોગની તાલીમ ઉપરાંત તમામ રમતના ખેલાડીઓને મેડીટેશન આપી શકે.
શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ખરીદી કરાયેલ વસ્તુની યાદી
વસ્તુ | કેટલી ખરીદી |
ટેબલ ટેનિસ | 2 |
ટેબલ ટેનિસ સ્કોર બોર્ડ | 2 |
બેડમિન્ટન એડજેસ્ટેબલ પોલ | 4 |
બેડમિન્ટન નેટ | 4 |
વેઇટ લીફટિંગ પ્લેટ 295 KG | 22 |
વેઈટ લિફ્ટિંગ ઓલમ્પિક બાર | 4 |
બારબેલ લોક – 10 | 10 |
ઓલમ્પિક એડજેસ્ટેબલ બેન્ચ પ્રેસ | 2 |
ઈલેક્ટ્રોનિક વેઈટ મશીન 200 KG | 1 |
કોમ્પિટીટીવ મોનોફિન | 3 |
લોન ટેનિસ મેટ | 4 |
રેસલિંગ મેટ | 80 |
રેસલીંગ કવર | 1 |
બાસ્કેટબોલ મુવેબલ પોલ | 1 |
બાસ્કેટબોલ ઇન્ડિકેટર બોક્સ | 2 |
વોલીબોલ મૂવેબલ પોલ | 2 |
વોલીબોલ નેટ | 2 |
વોલીબોલ એન્ટિના | 8 |
હેન્ડબોલ મૂવેબલ ગોસ્ટ પોસ્ટ | 2 |
હેન્ડબોલ નેટ | 2 |