વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માત સામે આવી રહ્યા છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ગત મોડી રાત્રે શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર પડતા નીચે પટકાયા હતા. જેમાં ડાળીનો ભાગ મહિલા પર પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવને લઇ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલ હરીનગર મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને બહારથી ઘરે પરત ફરતા દિવાળીપુરા કોર્ટ પરિસરની બહારથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર અચાનક ઝાડની ડાળી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 69 વર્ષીય રંજનબેન ઘટનાસ્થળે જ બેભાન અવસ્થામાં વડીવાડી ફાયરે રેસ્ક્યૂ કરી તાત્કાલિક 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં મૃતક મહિલાના પતિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઝાડની ડાળી પડતા બે કારને નુકસાન
આ બનાવવા અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, દિવાળીપુરા કોર્ટ પરિસર સામે ઝાડની ડાળી પડી હોવાની માહિતી મળી હતી અને ત્યાંથી વૃદ્ધ દંપતિ મોપેડ લઈને પસાર થઈ રહ્યું હતું, તે સમયે ઘટના બની હતી. ફાયરને કોલ મળતાની સાથે જ વડીવાળી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દટાયેલ મહિલાનું રેસ્ક્યૂ કરી ઇજાગ્રસ્ત મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવવામાં વૃદ્ધ દંપતી સાથે પાસે રહેલી બે ફોરવીલર ગાડીઓમાં પણ ઝાડની ડાળી પડતા નુકસાન થયું છે.
ઘરે પરત ફરતા સમયે અકસ્માત નડ્યો
આ બનાવો અંગે વૃદ્ધ દંપતીના પુત્ર વિશાલ ખરાડીએ જણાવ્યું હતું કે, મમ્મી-પપ્પા બહાર ગયા હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આકસ્માતમાં મમ્મી બેભાન અવસ્થામાં ત્યાંજ પડી ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પિતાને સામાન્ય ઇજાઓ થતા તેઓને સારવાર અપાઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.