રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટીયા પાસે આવેલી સોસાયટીના પટમાંથી એક નવજાત બાળકનો દાટેલો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી આગળ કાર્યવાહી શરૂ કરૂ હતી. પરંતુ આ બાળકનો મૃતદેહ કોણ દાટી ગયું તેની આસપાસના રહીશોને જાણ નથી તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
ખુલ્લા પટમાં કુતરૂ જમીન ખોદતું જોવા મળ્યું
રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે આવેલા સદ્દગુરૂ પાર્ક-3માં એક રહેવાસી રણછોડભાઇના મકાન પાછળના ભાગેથી પસાર થઇ રહ્યા હતાં, ત્યારે આ મકાન પાછળના ખુલ્લા પટમાં એક કુતરૂ જમીન ખોદતું જોવા મળતાં સોસાયટીના રહેવાસીને શંકા ઉપજી હતી. તેથી બીજા લોકોને બોલાવી તપાસ કરતાં જમીનમાંથી નવજાત બાળકનો મૃતદેહ દાટેલો મળી આવ્યો હતો. આ પછી સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતાં અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. 108ના ઇએમટીએ બાળકને મૃત જાહેર કરી આશરે સાતેક માસના બાળકનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. તેમજ મૃતદેહને આશરે બારેક કલાક પહેલા દાટવામાં આવ્યાનું અનુમાન લગાવાયું હતું.
બાળકને દાટી કોણ ગયું?
રણછોડભાઇ કેટલાક દિવસથી બહારગામ ગયા હોય, તેના ઘર પાછળના પટમાં કોઇ આ બાળક દાટી ગયું હતું. બહારની કોઇ વ્યક્તિ આ બાળકના મૃતદેહને દાટી ગઇ કે પછી આસપાસના કોઈ રહેવાસી? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આજીડેમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.