આવતીકાલ 1 ડિસેમ્બરે દુનિયાભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ દર 3 દિવસે એઇડ્સનો એક દર્દી સામે આવે છે. જેને લઈ એઇડ્સ દિવસના આગળના દિવસે શહેરની વિરાણી સ્કૂલનાં 1 હજાર વિધાર્થીઓ દ્વારા રેડ રીબીન બનાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે એઇડ્સ જાગૃતિ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આવતીકાલે વિશ્વ એઈડ્સ દિવસ હોવાથી વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા જાગૃતિનો પ્રયાસ
મળતી માહિતી અનુસાર HIV એઇડ્સ સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે. વિશ્વમાં દર એક મિનિટમાં HIVના એક દર્દીનું મોત થઈ રહ્યું છે. દેશમાં હાલ 25 લાખ લોકો એઇડ્સના દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં દર્દીની વાત કરવામાં આવે તો 3 લાખ લોકો HIV પોઝિટિવ છે અને રાજકોટ જિલ્લામાં દર 3 દિવસે એઇડ્સનો એક દર્દી સામે આવી રહ્યો છે. જોકે સરકાર દ્વારા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ ખરેખર લોકોમાં જાગૃતિ આવે એ જ HIVની દવા છે. જેને લઈને એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા સતત જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એઈડ્સનો ડર દૂર કરવા પ્રયાસ
આજરોજ શહેરની વિરાણી સ્કૂલમાં એઇડ્સ પ્રિવેન્શન કલબનાં સહયોગથી રેડ રીબીન તૈયાર કરીને લોકોમાં જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ આગામી માર્ચ મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજી લોકોમાં ફેલાયેલો એઇડ્સનો ડર દૂર કરવા માટેનાં પ્રયાસ કરવામાં આવશે.
સાંજે કેન્ડલ લાઈટ રેડ રીબીન તૈયાર કરવામાં આવશે
આ અંગે એઇડ્સ પ્રિવેન્શન કલબનાં અરુણ દવેએ જણાવ્યું હતું કે, 1986માં ભારતમાં HIV એઇડ્સ આવ્યા બાદ છેલ્લા 37 વર્ષથી અમારી સંસ્થા દ્વારા સતત એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે એઇડ્સ દિવસની પૂર્વ સંધ્યા નિમિતે વિરાણી સ્કૂલમાં ધોરણ 9થી 12નાં 600 કરતા વધુ વિધાર્થીઓની રેડ રીબીન બનાવવામાં આવી હતી. આવતીકાલે અમારા માટે મહત્વનો દિવસ હોવાથી એક વિશાળ સેમીનાર યોજવામાં આવનાર છે. માનવ સાંકળ બનાવવામાં આવશે. જેમાં સમાજનો દરેક વર્ગ જોડાશે. સાંજના સમયે મીણબત્તીના માધ્યમથી કેન્ડલ લાઈટ રેડ રીબીન તૈયાર કરવામાં આવશે. શનિવારે પણ કેકેવી ચોક ખાતે રેડ રીબીન બનાવવામાં આવશે. આખું વર્ષ અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. જેમાં ખાસ 31 માર્ચ સુધીમાં 40થી 50 જેટલા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.