ગુજરાતમાં ઠંડીની શરુઆત થઇ ગઇ છે. વહેલી સવારે અને રાત્રે તો ઠંડીનો અહેસાસ થઇ જ રહ્યો છે. સાથે જ બપોરે પણ થોડા થોડા ઠંડા પવનો ફુંકાવાની શરુઆત થઇ ગઇ છે. માણસોએ પોતાના જુના સ્વેટર અને જેકેટ બહાર કાઢીને પહેરવાની શરુઆત થઇ ગઇ છે. જો કે અમદાવાદના કાંકરિયામાં પશુ-પક્ષીઓના ઠંડીથી બચાવ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પશુ-પક્ષી અને સરીસૃપોને ઠંડીથી રક્ષણ આપવા માટે અમદાવાદમાં આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. વાઘ,સિંહ દીપડા વગેરે જેવા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મુકવામા આવ્યા છે સાથે સાથે ઘાંસ પાથરવામા આવ્યુ છે.જેના પર બેસી તેઓ ગરમી મેળવી શકે છે.
પક્ષીઓને પણ ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓના પાંજરા પર બ્રુડટ લગાવામા આવ્યા છે.
સાપ,કાચબા વગેરે માટે માટલા નીચે બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની મદદથી તેઓ ગરમી મેળવે છે. ઠંડીની સીઝનમા માનવીને શરદી-ઉધરસ થાય છે તો પશુ-પંખી રેસ્પાઇરેટ્રી ટ્રેક ઇન્ફેકશનનો ભોગ બને છે.તેઓને જરુરી મેડિકલ સારવાર આપવામા આવે છે.
ઠંડીમાં હાથીના શરીરનું તાપમાન 96 ડિગ્રી હોય છે, તેમના શરીરનું તાપમાન જાળવવા માટે ખાસ વસાણું ખવડાવવામાં આવે છે. રાગી,કુલથી,ચોખા,ગોળ,સુંઠ ,ટોપરામાંથી 4થી5 કીલો વજનનો એક લાડુ તૈયાર કરવામા આવે છે. જે હાથીને અપાય છે.હાથી રોજ આવા 8 લાડું આરોગી જાય છે.
શિયાળા માટે કાંકરિયામાં કુલ 13 હીટર, 25 બ્રુડર, સરીસૃપ માટે 35 ગરબાના માટલા અને વિશેષ રીતે પડદા લગાવવાનું કામ કરવામાં આવ્યું છે.