અમદાવાદ શહેરમાં રોજબરોજ હજારો દારૂની બોટલો ક્યાંક ને ક્યાંક પકડાતી હોય છે. એના કારણે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલનો ભરાવો થઈ જાય છે. હવે ઘણી વખત એવું પણ બની શકે કે, પકડાયેલો દારૂ તેની મૂળ સંખ્યા કરતાં ઓછો થઈ જાય એવા નવા બહાના સામે આવતા હોય છે. પૂર્વ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં તો એવું બહાનું આવ્યું, કે ઉંદર દારૂ પી ગયા. આવા અલગ અલગ બહાના આવે તે પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પણ કરોડો રૂપિયાની દારૂની બોટલ પર રોલર ફેરવીને એનો નિકાલ કરવામાં આવ્યો છે.
મોટાપાયે દારૂનો નાશ કરાયો
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં તમે ચાહો ત્યાં દારૂ મળી જાય છે. પોલીસ પોતાની કામગીરી કરે છે અને દારૂ તેમજ ગુનેગારોને પકડે છે. તેમ છતાં મોટા ખેલાડીઓ જેમકે વિનોદ સિંધી જેવા આરોપીઓ વિદેશમાં છુપાઈને બેઠા છે. તેમની નીચેની આખી લાઈન હજી પણ ચાલી રહી છે. એક વખત દારૂની ટ્રકો રાજસ્થાન, મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યમાંથી અહીંયા આવે છે, રસ્તામાં અનેક જિલ્લાઓ આવે છે. કદાચ ત્યાંની પોલીસને તેની માહિતી નહીં હોય, પરંતુ અમદાવાદમાં જ્યારે આ દારૂ પકડાય છે ત્યારે બધાની નજર ને શંકાની સોઈ અલગ અલગ જગ્યાએ ફરવા લાગે છે.
દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાખ્યું
અમદાવાદ શહેર પોલીસે ઝોન 6માં 7 પોલીસ સ્ટેશનમાં આશરે 750 ગુનામાં 1 લાખ 72 દારૂની બોટલ પકડી હતી. જેની અંદાજે કિંમત 2 કરોડ 60 લાખ જેટલી થાય છે. પોલીસે આ તમામ દારૂનો નાશ કર્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. અમદાવાદ શહેરમાં હાલ જોન સિક્સ વિસ્તારમાં આ પ્રમાણે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં અન્ય વિસ્તારમાં પણ આ રીતે દારૂનું નાશ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે.