અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ રોજ સામે આવી રહી છે. હજુ 9 એપ્રિલે નરોડામાં યુવક પર ધોળા દિવસે થયેલા ફાયરીંગની ઘટનાના પડઘા શમ્યા નથી. ત્યાં સરખેજ વિસ્તારથી વધુ એક ફાયરીંગની ઘટના સામે આવી છે. બિલ્ડરે પૈસાની લેતી-દેતી મામલે જમીન દલાલને કાફેમાં બોલાવી ભર બપોરે તેના પર ફાયરીંગ કર્યુ હતુ.
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટના રોજબરોજ સામે આવી રહી છે. મેટ્રો સિટી અમદાવાદ હવે ક્રાઈમ સિટી તરફ પણ આગળ વધી રહ્યુ છે. અહીં ધોળા દિવસે પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ફાયરીંગ જેવા ગંભીર ગુનાઓને લોકો અંજામ આપી રહ્યા છે અને પોલીસ પણ જાણે ઠંડા કલેજે જાણે મૂક પ્રેક્ષક બનેલી છે. શહેરમાં 9 એપ્રિલે પૈસાની લેતીદેતીમાં નરોડામાં યુવક પર કરાયેલ ફાયરીંગ ઘટનાના આરોપી હજુ એક દિવસ પહેલા પકડાયા છે ત્યા વધુ એક ફાયરીંગની ઘટનાને ધોળા દિવસે અંજામ આપવામાં આવ્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડરે જમીન દલાલ પરભર બપોરે ફાયરીંગ કર્યુ ,
આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આનંદનગર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા હરદતસિંહ જાદવે તેના બિલ્ડર મિત્ર નિલેશ ખંભાયતાની બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જે સ્કીમ બંધ થઈ જતા જમીન દલાલ હરદતસિંહે બિલ્ડર નિલેશ ખંભાયતા પાસે તેના પૈસા પરત માંગ્યા હતા. જોકે નિલેશે અમુક રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા બિલ્ડરની નીલેશે હરદતસિંહને મળવા બોલાવી તેની પાસે રહેલા દેશી કટાથી ફાયરિંગ કર્યું હતું. જમીન દલાલ હરદતસિંહની ફરિયાદને આધારે પોલીસે બિલ્ડર નિલેશની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં જમીન દલાલ હરદતસિંહ તેના મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા થકી બિલ્ડર નિલેશ ખંભાયતાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ નિલેશ ખંભાયતાએ બાપુનગરમાં ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી. જે સ્કીમમાં જમીન દલાલ હરદતસિંહે 30 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જોકે કોઈ કારણસર આ ફ્લેટની સ્કીમ બંધ રહેતા બિલ્ડર નીલેશે 30 લાખમાંથી 17 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. જોકે બાકીના 13 લાખ માટે હરદતસિંહ બિલ્ડર પાસે ઉઘરાણી કરતા હતા. આખરે હરદતસિંહે ફરીથી પૈસાની ઉઘરાણી કરતા બિલ્ડર નિલેશે તેને એક કાફેમાં મળવા બોલાવ્યા હતા. જ્યાંથી તેણે અન્ય જગ્યા પર જઈને વાતચીત કરવાનું કહેતા જમીન દલાલ પોતાની ગાડીમાં બેસી જતા હતા તે દરમિયાન બિલ્ડર નિલેશે પોતાનું બાઈક ગાડી પાસે લાવી જમીન દલાલ હરદતસિંહ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં જમીન દલાલને ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હાલ તો જમીન દલાલ હરદતસિંહની ફરિયાદના આધારે સરખેજ પોલીસે બિલ્ડર નિલેશ ખંભાયતાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બિલ્ડર નિલેશે જેનાથી ફાયરિંગ કર્યું તે દેશી કટ્ટો તેને દસ વર્ષ પહેલાં યુપી બિહારથી તેમની સાઈટ પર કામ કરતા મજૂરો પાસે મંગાવ્યો હતો, ત્યારે હવે પોલીસ એ પણ તપાસ કરે છે કે નીલેશે દેશી કટો મંગાવવાનું કારણ શું હતું અને આ દેશી કટ્ટાનો ઉપયોગ તેણે અન્ય કોઈ ગુનામાં કર્યો છે કે કેમ.