તહેવારોનો સમય આવી રહ્યો છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ આસમાને પહોંચતા ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક કિલોએ 10થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યારે એક ગૃહિણી જણાવ્યું હતું કે, એક બાદ એક વસ્તુના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે
દાળના ભાવમાં વધારો થવાના કારણો
- ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયુ હતુ
- આફ્રિકા, બર્મામાં પાક ઓછો થતા આયાત ઘટી
- યુદ્ધની પરિસ્થિતિમાં તમામ દેશોએ દાળનો કર્યો ઓવરસ્ટોક
- તહેવારોના કારણે માગમાં વધારો થતા ભાવ વધારો
તુવેર, અડદ અને ચણાની દાળમાં ભાવ વધારો
વડોદરાના હાથીખાના માર્કેટના પ્રમુખ નિમેષ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં ભાવવધારો થયો છે. તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો છે અને ચણા દાળમાં કિલોએ 4થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.
તુવેરનું ઉત્પાદન ઓછું થતા ભાવ વધારો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયું હતું અને આપણા દેશની માગને પહોંચી વળે તેટલી તુવેરનો પાક થયો નહોતો. આપણે ત્યાં મુખ્યત્વે આફ્રિકા અને બર્માથી તુવેર આયાત થાય છે. આ વખતે આફ્રિકામાં પણ તુવેરનો પાક ઓછો હતો અને યુદ્ધની પરિસ્થિતિને કારણે દુનિયાના તમામ દેશોની ઓવરસ્ટોક કરવાની વૃત્તિને કારણે પણ આફ્રિકાની તુવેર આ વખતે પુરતી માત્રામાં મળી શકી નથી. જેના કારણે પણ ભાવવધારો થયો છે.
નવો સ્ટોક આવશે એટલે ભાવ ઘટશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આફ્રિકામાં પણ તુવેરનો નવો પાક આવી ગયો હશે અને 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં આફ્રિકાથી તુવેરનો નવો સ્ટોક આવી જશે. તુવેરના ભાવ ચોક્કસથી ઘટશે. આ ઉપરાંત અડદનો પાક ગયા વર્ષે ઓછો હતો. જેથી થોડા સમય માટે અડદ દાળના ભાવ વધ્યા છે. ચણાની દાળના ભાવ પણ થોડા સમય માટે વધ્યા છે. સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ થતાં માલની આવક ઓછી હતી, જેથી થોડા ભાવ વધ્યા છે, પરંતુ થોડા દિવસમાં ચણાના દાળના ભાવ રેગ્યુલર થઇ જશે.
ભાવ કંટ્રોલ કરવા સરકાર પગલાં ભરે છે
તેઓએ ઉમેર્યું હતું કે, ભાવને કાબૂમાં રાખવા માટે સરકાર દ્વારા પગલાં પણ લેવામાં આવે છે. પોર્ટલ પર દરેક વેપારીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. દરેક વેપારીએ તેનો સ્ટોક અપલોડ કરવાનો હોય છે. જેથી દાળના ભાવનો વધારો કોઇ લાંબી તેજી હોય તેવું જણાતું નથી.
તુવેર દાળનો પાક ઓછો હોવાથી આવકમાં ઘટાડો થતા ભાવો ઊંચકાયા
રાજકોટના દાણાપીઠમાં વર્ષોથી કરિયાણાનો વેપાર કરતા પરેશભાઈ કોટેચાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી તુવેર, ચણા અને અડદ સહિતની દાળનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુવર્ષે તુવેર દાળનો પાક ઓછો હોવાથી આવકમાં ઘટાડો થતા ભાવો ઊંચકાયા છે. થોડા દિવસ પહેલા તુવેરદાળનો ભાવ રૂ. 120-125 હતો. જે અત્યારે 135 આસપાસ થયો છે. જ્યારે ચણાદાળના ભાવ રૂ. 60-62નાં હતા જે હવે રૂ. 70-72 સુધી પહોંચ્યા છે.
તહેવારોના કારણે માગમાં વધારો થતા ભાવમાં વધારો
હાલમાં એકતરફ આયાત બંધ હોવાને કારણે આવકમાં ઘટાડો થયો છે. બીજીતરફ તહેવારોના કારણે માગમાં વધારો થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટૂંક સમયમાં આયાત ફરી શરૂ કરવામાં આવનાર છે. તેમજ સરકાર દ્વારા સ્ટોક લિમિટ સહિતના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને એકાદ મહિનામાં ફરીથી ભાવ કાબૂમાં આવી જવાની પૂરતી શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગરીબ અને મધ્યમવર્ગને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે
સુરતથી ગૃહિણી કિરણ ગજેરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે કઠોળના ભાવમાં જે રીતે ભાવ વધારો થઇ રહ્યો છે અને અત્યારે ચોમાસામાં શાકભાજીનો ભાવ વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે. હાલના સમયમાં જાવક વધી ગઇ છે અને આવક ઓછી થઇ જતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારે ભાવ ઘટાડવા માટે ગંભીર થઇને વિચારવું જોઇએ.
મોંઘવારીને ઓછી કરવા સરકારે કોઇ પગલાં લેવા જોઇએ
તો અમદાવાદથી ઝીલ શાહે જણાવ્યું કે હાલ બેફામ મોંઘવારી વધી રહી છે. ગેસના ભાવ હજાર રૂપિયાને પાર છે. થોડા સમય પહેલા ટામેટા 200 રૂપિયાને પાર થઇ ગયા હતા. હાલ દાળ અને કઠોળના ભાવ વધી રહ્યા છે. દૂધ અને શાકભાજી પણ મોંઘી છે. એક ગૃહિણી તરીકે મારી વિનંતી છે કે આ મોંઘવારીને ડામવી જોઇએ. આ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલનો ભાવ પણ વધારે છે તો શિક્ષણ પણ મોંઘુ છે. તેથી મોંઘવારીને ઓછી કરવા સરકારે કોઇ પગલાં લેવા જોઇએ.