રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે ઉત્તર પૂર્વીય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તથા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારપછી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
હળવા વરસાદની આગાહી
હળવા વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં ખાસ કરીને ઉત્તર પૂર્વીય ગુજરાતના જિલ્લાઓ જેવા કે દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં ક્યાંક હળવો વરસાદ થઇ શકે છે. તો આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છૂટોછવાયો માવઠારૂપી વરસાદ વરસી શકે છે.
મિચાંગથી ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઇ
ઉલ્લેખનીય છે કે હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું મિચાંગ વાવાઝોડું ભારતના પૂર્વીય તટ પર ખતરો બનીને ત્રાટકી શકે છે. જેની ગુજરાત પરની અસરમાં જણાવીએ તો મિચાંગ વાવાઝોડાને કારણે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈ છે. બંગાળની ખાડી તરફથી પવનો આવવાની શરૂઆત થઈ છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વીય રાજસ્થાનના ભાગો પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ સંભાવના છે.
નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું
આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું બની શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. આગામી બેથી ત્રણ દિવસમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી પણ શકે છે. પરંતુ રાત્રિના લઘુતમ તાપમાનમાં આગામી 48 કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે જેને કારણે રાત્રિ દરમિયાન ઠંડીની અસર વધુ રહી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં રાત્રિ દરમિયાનનું તાપમાન ધીમે ધીમે વધે તેવી સંભાવના છે. હાલમાં નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે તથા અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા પાંચ દિવસની સરખામણીએ વધ્યું હોય તેમ ગત રાત્રીએ 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
આગામી 3 દિવસમાં રાજ્યમાં પવનની ગતિ વધવાની સંભાવના
આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં પવનની ગતિ વધવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાને કારણે માછીમારોને શક્ય હોય ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.