જુનાગઢમાં ગત મહિને ભારે પૂર બાદ કડિયાવાડ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ કુટુંબના ત્રણ સભ્યોનું ઇમારત નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. જેમાં બે બાળકો તથા તેમના પિતાનો સમાવેશ થયો હતો. માતાની નજર સામે જ તેને બાળકો અને પતિ ગુમાવ્યા હતા. બાદમાં પત્નીએ પણ આપઘાત કરી લીધો હતો. હવે પરિવારે વકીલ મારફત જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે.
જવાબદારો સામે ગુનો નોંધવા રજુઆત કરાઈ
આ માટે મહિલાએ જવાબદારો સામે યોગ્ય પગલા લેવા માટે મેયર, ડેપ્યુટી મેયરને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઠોંસ પગલા ભરવામાં ન આવતા મહિલાએ પણ થોડા દિવસ બાદ એસિડ પીને આત્મહત્યા કરી હોવાનું હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરનાર વકીલ પ્રશાંત ચાવડાએ જણાવ્યું હતું. જુનાગઢના મેયર અને ડેપ્યુટી મેયરે આ બાબત સ્વીકારી હતી કે, તંત્રની આ બનાવ પાછળ ક્યાંક કે ક્યાંક ભૂલ તો છે. બનાવ બાદ એક જ સમાજના એક પરિવારના ચાર સભ્યના મોત થતા તમામ વહીવટી વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી અને ન્યાય મેળવવા માગણી કરી હતી. તેમજ જવાબદારો સામે IPCની કલમ 304, 306 મુજબ ગુનો નોંધવાની રજુઆત કરવામાં આવી હતી.
SP અને કલેક્ટર સુધી રજુઆત કરાઈ હતી
જોકે, તંત્ર દ્વારા પ્રત્યુત્તર ન મળતા પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ બાબતે જવાબદાર વ્યક્તિઓ અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માટે જુનાગઢ SP અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. કોઈ પગલા ન લેવાતા પીડિત પરિવાર દ્વારા ન્યાય મેળવવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં પીડિત પરિવારવતી અડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવેલ છે. જેની સુનાવણી હવે આગામી દિવસોમાં હાથ ધરાશે.