આજે મૂળ મહેસાણાના ત્યજી દેવાયેલા બાળકને NRI દંપતીએ દત્તક લીધો છે. બાળકનો ઉછેર બાલભવન પાલડી ખાતે થયો છે. બાળકનું નામ રુદ્ર છે, જેની ઉંમર 6 વર્ષની છે. આજે અમદાવાદ ખાતે NRI નિલેશભાઈ રાવલના નિવાસસ્થાને હિન્દુ વિધિ મુજબ પૂજા યોજીને બાળકનો ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં પરિવારના સભ્યો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ એ મેસેજ અપાયો હતો કે, અનાથ બાળકોને દત્તક લઈને સમાજ સામે લોકોએ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
નિલેશભાઈ 1997થી અમેરિકામાં રહે છે
અમદાવાદમાં નવરંગપુરામાં ઘર ધરાવતા નિલેશ રાવલ 1997થી અમેરિકાના મેરિલેન્ડમાં વસે છે. તેમના પરિવારમાં પત્ની, માતા-પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજો છે. તેમના ભાઈ-ભાભી પણ અમેરિકામાં જ વસે છે. નિલેશભાઈ અમેરિકામાં સ્ટોર્સ ધરાવે છે. તેમણે B.Sc ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમની પત્ની રેશ્માબેને ITનો અભ્યાસ કરેલો છે.
1 વર્ષ જેટલો સમય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ગયો
નિલેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બાળક દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને અઘરી હોય છે. અમને 1 વર્ષ જેટલો સમય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ગયો છે. અમેરિકામાં એજન્સીઓ હોય છે, જો કોઈએ બાળક દત્તક લેવું હોય તો આ એજન્સી તેમને બાળકના વીડિયો અને ફોટા બતાવે છે. દત્તક લેવાની પ્રક્રિયા આરંભ થયા બાદ જુદા-જુદા સરકારી ખાતામાં ઇનવોલ્વ થાય છે. ખરેખર બાળક દત્તક લેવાની પ્રક્રિયા ઓછા સમયમાં થાય તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
આ પ્રક્રિયાનો ખરેખર પ્રારંભ 4 વર્ષ પહેલાં થયો
વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાનો ખરેખર પ્રારંભ 4 વર્ષ પહેલાં થયો હતો. આ બાળક પણ તેમની સાથે અમેરિકામાં રહેશે. ભારતમાં અધિકારીઓ બાળક દત્તક લેવાની અરજી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના 21 દિવસમાં જવાબ આપવાના નિયમને પાળતા નથી. તેમાં સુધારો જરૂરી છે. રૂદ્ર નિલેશભાઈ અને રેશ્માબેનનું પહેલું બાળક છે. ભવિષ્યમાં પણ તેઓ અન્ય બાળકને દત્તક લઈ શકે છે.